ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પૌરાણિક કાળમાં અસ્તિત્વમાં હતી. ગ્રામિણ સમૃધ્ધિમાં ગામના વડીલોથી પંચાયત દ્વારા સ્વતંત્રપણે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થતું હતું. પરંતુ પરદેશી આક્રમણ અને શાસનને કારણે સ્થાનિક વ્યવસ્થા પર અસર થઈ પરંતુ હાલની શહેરી સ્થાનિક સંસ્થાઓનો ઉદભવ પણ આ સમય દરમિયાન થયો હતો. વાઇસરોય કાઉન્સીલના સભ્ય સેમ્યુઅલ લીઆંગના 1861-62 ના બજેટના ભાષણમાં સૌ પ્રથમવાર સ્થાનિક સેવાઓ સ્થાનિક કરો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ થયો હતો. ત્યાર બાદ 1882માં લોર્ડ રીપનના ઐતિહાસિક ઠરાવ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો પાયો નખાયો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પ્રેરણા આપનાર સ્વ.બરફીવાલાએ વર્ષો અગાઉ કરેલા પ્રયત્નોના કારણે દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 31મી ઑગષ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજાવણી કરવામાં આવે છે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાપવાનો હેતુ મુળભુત રીતે નાગરિકોને શિક્ષણ આપવાનો, વહીવટી કાર્યક્ષમતા વધારવાનો તેમજ નાગરિક સુવિધાઓ વધારવાનો છે.
આજના દિવસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો ઉદગમ અને વિકાસ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નાગરિક સેવાના કામોમાં તેમજ સામાજીક અને આર્થિક વિકાસમાં મદદરુપ થાય તે માટે દિનપ્રતિદિન વધુને વધુ કાર્યક્ષમ બની રહ્યું છે. મોટા ભાગે નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાનું કામ કરે છે. ભારતભરના સમગ્ર નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્ય કક્ષાની સંસ્થાની સ્થાપના થઇ ત્યારથી આજદિન સુધી તેના ઉદેશોને પાર પાડવા નગરપાલિકા / મહાનગરપાલિકા જેવી સંસ્થાઓ કાર્યરત રહી છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશને સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં આગવી પ્રતિભા ઉભી કરી યશસ્વી કારકીર્દી પ્રાપ્ત કરી છે.સ્થાનિક સ્વરાજ્યના દિને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાનું પ્રયોજન પ્રજાની આશા અને મહત્વકાંક્ષા તેમજ જનસુખાકારી મહત્તમ રીતે સંતોષાયએ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે છે.