સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે. માત્ર 24 કલાક માં 40 સેમી નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી હાલ નર્મદા ડેમ ની સપાટી 135.93 મીટર પર પહોંચી ચૂકી છે. એવામાં આજે 23 ગેટ 2.50 મીટર ખોલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સિઝન માં પ્રથમવાર નર્મદા ડેમ ના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ડેમની હાલની સ્થિતિ
સરદાર સરોવરમાં હાલમાં પાણી સપાટી 135.93 મીટર સુધી પહોંચ્યું છે અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં ડેમમાં પાણીની આવક વધવાથી ડેમ 90 % ભરાયો છે.
27 ગામોને એલર્ટ
નર્મદા ડેમ ના 23 ગેટ માંથી નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં 92 ટકા વરસાદ ખાબક્યો, 82થી વધુ ડેમ 100 ટકા ભરાયા
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 04 સપ્ટેમ્બર 2025 ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 90 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.