હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસો દરમિયાન વરસાદી સત્ર વધુ ઉગ્ર બનશે. રાજ્યના મધ્ય અને દક્ષિણ વિસ્તાર સહિત અનેક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે વિવિધ જિલ્લાઓમાં વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વલસાડ, ડાંગ, નવસારી, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે અને લોકો ખાસ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
યેલો એલર્ટ હેઠળના જિલ્લાઓ
તાપી, સુરત, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર અને ભાવનગર જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અહીં પણ વરસાદનો જોખમ યથાવત રહેવાનો અંદાજ છે, પરંતુ તીવ્રતા રેડ એલર્ટ કરતા ઓછી રહેવાની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતા હોવાને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
નવરાત્રી દરમિયાન અંબાલાલની આગાહી
ગુજરાતમાં છુટાછવાયા વરસાદ બાદ હવે ખેલૈયાઓ માટે માઠા સમાચાર. મેઘરાજા નવરાત્રીનો માહોલ બગાડવા તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી કહેર વરસી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે. સાથે સાથે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણો કયા કયા જિલ્લામાં વરસાદ બગાડશે બાજી.
ગાંધીનગર સહિત ઘણા ભાગોમાં 6થી 8 ઈંચ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે. વલસાડ, સુરત, ખંભાત, આણંદમાં હળવા વરસાદની સંભાવના રહેશે. જો બીજી બાજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો જુનાગઢ અને ભાવનગર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે.