ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં જણાવ્યું છે કે, ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નોને વિદેશી કોર્ટ તેમના કાયદા અનુસાર રદ્દ કરી શકતી નથી. ઓસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને હાઇકોર્ટે અમાન્ય જાહેર કરી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે આવા લગ્ન અંગેનો નિર્ણય કરવાનો અધિકાર માત્ર ભારતીય અદાલત પાસે જ છે.
હાઇકોર્ટે પત્નીની અરજી સ્વીકારીને ઓસ્ટ્રેલિયન કોર્ટ તેમજ અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશોને રદ કર્યા છે. સાથે જ ફેમિલી કોર્ટને આ મામલે પુનઃવિચારણા કરીને મેરિટના આધારે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે ભાર મૂક્યો કે હિન્દુ લગ્ન કાયદા હેઠળના અધિકારો નાગરિકતા કે નિવાસસ્થાન બદલવાથી અસરગ્રસ્ત થઈ શકતા નથી.
શું છે કેસ?
પતિ-પત્નીએ જુલાઈ 2008માં અમદાવાદમાં લગ્ન કર્યા બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હતા.
પતિએ બાદમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી જ્યારે 2013માં દંપતીને સંતાન થયું.
2014 પછી મતભેદો ઊભા થતાં પતિ ભારત પરત ફર્યો, જ્યારે પત્ની ઓસ્ટ્રેલિયામાં રહીને 2015માં નાગરિકતા મેળવી અને સંતાન સાથે પાછી આવી.
2016માં પતિએ ઓસ્ટ્રેલિયાની ફેડરલ સર્કિટ કોર્ટમાં છૂટાછેડા તથા સંતાનની કસ્ટડી માટે અરજી કરી, જે મંજૂર થઈ.
પત્નીએ આનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન કોર્ટ પાસે કોઈ અધિકારક્ષેત્ર નથી. તેમ છતાં તે અરજી ફગાવી દેવામાં આવી હતી.
હાઇકોર્ટનો સ્પષ્ટ સંદેશ
હાઇકોર્ટે કહ્યું કે, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નનો અંત લાવવાનો હક માત્ર ભારતીય અદાલતોને જ છે. તેથી પત્નીનો દાવો યોગ્ય ગણાવીને હાઇકોર્ટે વિદેશી કોર્ટનો આદેશ ખારિજ કર્યો છે.