મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ દોલતપુરા ગામમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં શ્રમજીવીઓ કામ કરતા હતા ત્યારે અચાનક મહીસાગર નદીનું પાણી અચાનક આવી ચઢતા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કામ કરતા 15 કામદારો પૈકી ૫ કામદારો ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
હાઇડ્રો પાવર પ્લાન્ટમાં મશીનરી રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મહીસાગર નદીનું પાણી અચાનક વધી જતા દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ પ્લાન્ટમાં કાર્યરત 15 શ્રમજીવીઓમાંથી 5 મજૂરો પાણીના વહેણમાં સપડાઈ ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. બાકી કામદારોને સુરક્ષિત બહાર કાઢવા તાત્કાલિક પ્રયાસો હાથ ધરાયા હતા
જીલ્લા કલેકટર જીલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દોડ્યા
દુર્ઘટનાની જાણ થતાજ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો ફાયર બ્રિગેડ અને SDRFની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું છે. નદીના વહેણ અને સ્થળની ભૂગોળને ધ્યાનમાં રાખી જુદી જુદી એજન્સી સંકલનમાં રહીને સાથે શોધખોળ અને બચાવ કામગીરી કરી રહી છે.
હાલ બચાવ કામગીરીને પ્રાથમિકતા,તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે: સફીન હસન
જિલ્લા પોલીસ વડા સફિન હસને મીડિયાને માહિતી આપતાં જણાવ્યું કે હાલ બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. “અમારી ટીમો સતત કામગીરીમાં વ્યસ્ત છે. ઘટના કેવી રીતે બની, પાણી અચાનક કેમ વધી આવ્યું અને સલામતી પ્રોટોકોલનું પાલન થયું હતું કે નહીં—આ તમામ મુદ્દાની સવિસ્તાર તપાસ કરવામાં આવશે,”
સ્થાનિક સ્તરે સ્વયંસેવકો પણ પ્રશાસનને મદદરૂપ બની રહ્યા છે. ઘટનાસ્થળે જરૂરી સાધનો અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાનગી કંપની દ્વારા પાવર પ્લાન્ટનું સંચાલન
હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાનગી કંપની દ્વારા સંચાલિત છે. પ્લાન્ટમાં આજે મશીનરી રિપેર કરવાની કામગીરી ચાલી રહી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 200 ફૂટથી વધારે ઊંડી ચેમ્બર આવેલી છે એમ એક ચેમ્બર માંથી બીજી ચેમ્બર માં પસાર થઇ શકાય તે પ્રકારનું માળખું બનાવવામાં આવેલું છે. જ્યાં ટર્બાઇન રિપેર કે બદલાવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે 15 જેટલા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા
દિવાલના હોલમાંથી પાણી ચેમ્બરમાં ઘૂસ્યું
અચાનક દીવાલના હોલ માંથી મહી નદીના પાણીનો પ્રવાહ ચેમ્બરમાં આવી ગયો અને 15 જેટલા કામદારો જે અંદર કામ કરી રહ્યા હતા તેઓ ડૂબ્યા એમાંથી કેટલાક કામદારો બહાર આવી શક્યા,પરંતુ કેટલા ભાર આવ્યા અને કેટલા પાણીના પ્રવાહમાં તણાયા કે ડૂબ્યા એ હજુ સુધી જણાઈ શકાયું નથી. કારણકે ઘટના બન્યા ને થોડા સમય માંજ પાવર પ્લાન્ટના જવાબદાર સંચાલકો અહીંથી અદ્રશ્ય થઇ ગયા હતા.
કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે કામદારો ફસાયા
કડાણા ડેમમાંથી અંદાજે અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ સાઇટથી લગભગ 20 કિલોમીટર દૂર દોલતપુરા ગામ પાસેના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના 200 ફૂટથી વધારે ઊંડી ચેમ્બર સુધી નદીના પાણી નો તીવ્ર પ્રવાહ આવી પહોંચતા કામદારો પર આફત તૂટી પડી હતી, રાત્રે 4.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે ત્યારે બચાવ ટુકડીઓ ને રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી શકે છે.
આ લખાય છે ત્યારે રાત્રે 11.30 વાગે હજુ સુધી ડૂબેલા વ્યક્તિ પૈકી કોઈની ભાળ મળી શકી નથી.