આજના યુગમાં જ્યારે ઈન્ટરનેટ સાથે જોડાયેલ ડિજિટલ ટેકનોલોજી આપણા જીવનના દરેક કાર્યમાં ઊંડાણપૂર્વક સ્થાપિત થઈ ચુકી છે,ત્યારે સામે એ બાબત પણ મહત્વની છે કે સાયબર જોખમો પણ સતત વધી રહ્યા છે, ત્યારે સુરક્ષીત સાયબર સ્પેસ એ બાબત આજના સમયમાં અને આવનારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે,ત્યારે "સાયબર ગણેશ" ની છબીએ સુરક્ષીત સાયબર સ્પેસ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, વધુમાં "સાયબર ગણેશ" ની છબી દર્શાવે છે, કે કેવી રીતે ઈશ્વરીય સ્વરુપનો ઉપયોગ સમયની જરુરીયાત મુજબ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સમાજના તમામ લોકો સુધી પહોંચાડવા માટે થઈ શકે છે, અને એ બાબત પણ સ્પષ્ટ છે કે , જો સાઈબર ક્રાઈમ પર વિજય પ્રાપ્ત કરવો હશે તો સાયબર જાગૃતિ બાબતે આજના ડિજિટલ યુગમાં જ્ઞાન, સુરક્ષા અને જવાબદારી વિશે વ્યાપક પ્રમાણમાં ચર્ચા થવી અત્યંત જરુરી છે.
આજના યુગમાં, ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં સાયબર જાગૃતિ ફેલાવવા માટે "સાયબર ગણેશ" ની છબી કેમ મહત્વપૂર્ણ છે, તેની પાછળ 4 મુખ્ય કારણો જવાબદાર છે.
(1) સાંસ્કૃતિક અને ધાર્મિક જોડાણ
ભગવાન ગણેશને "વિઘ્નહર્તા" એટલે કે અવરોધો દૂર કરનાર દેવ અને બુદ્ધિના દેવ તરીકે પૂજવામાં આવે છે, સાયબર ગણેશની છબી આ પરંપરાગત માન્યતાઓને ડિજિટલ વિશ્વના પડકારો સાથે જોડે છે. જ્યારે લોકો તેમના આદરણીય દેવતાને સાયબર સુરક્ષા માટેના સંદેશાઓ આપતા જુએ છે, ત્યારે તેઓ સંદેશને વધુ ગંભીરતાથી લે છે,આમ સાયબર ગણેશની છબી એક પ્રકારે સાંસ્કૃતિક સેતુ બનાવે છે, અને જટિલ શબ્દોનું જ્ઞાન સામાન્ય લોકો માટે સરળ અને સુલભ બનાવે છે.
(2) ગણેશજીના કાન ,આંખો અને સૂંઢ મજબૂત સાયબર સંદેશ આપે છે
મોટા કાન
ગણેશજી ની છબીમાં મોટા કાનનો અર્થ એ છે કે જયારે સરકાર,સાઈબર ક્રાઈમ સેલ,બેન્કો અને સ્વૈચ્છિક સંસ્થાઓ ધ્વારા આપણને સાયબર અવેરનેસ અને સલામતી માટેની ટિપ્સ જયારે પણ આપવામાં આવે છે ત્યારે તેને ધ્યાનથી સાંભળવી જોઈએ અને યોગ્ય સમયે તેનું અનુસરણ પણ કરવું જોઈએ.
નાની આંખો
ગણેશજીની છબીમાં નાની આંખો નો અર્થ એ છે કે આપણે ઓનલાઈન વ્યવહારમાં જોડણીની ભૂલો , ફિશિંગ ઈમેલમાં શંકાસ્પદ લિંક્સ પર નરી આંખે નજર રાખવી જોઈએ,સાથે જ એ બાબત પણ ધ્યાનમાં રાખવી કે ક્યૂ આર કોડ સ્કેન કરીને રુપીયા ચૂકવી શકાય છે, મેળવી શકતા નથી અને ક્યારેય આપણે આપણા બેંક એકાઉન્ટ અને સીમ કાર્ડના ઉપયોગની પરવાનગી બીજાને આપવી ન જોઈએ,ટૂંકમાં ઓનલાઈન પ્રવૃત્તિ માં નાની બાબતોને નરી આંખે જો જોવામાં ન આવે તો મોટું નુકસાન થઈ શકે છે.
સૂંઢ
ગણેશજીની સૂંઢ મજબૂત અંગનું ઉદાહરણ પૂર્ણ પડે છે, તેવી જ રીતે આપણે સાયબર દુનિયામાં મજબૂત પાસવર્ડ,ટુ ફેક્ટર / મલ્ટી ફેક્ટર ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરવો જોઈએ.
(3) સાયબર અવેરનેસના સંદેશને સરળ અને યાદગાર બનાવવો
ઘણીવાર, સાયબર અવેરનેસ દરમ્યાન અમુક ટેકનીકલ શબ્દોને નોન ટેકનીકલ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સમજી શકતા નથી."સાયબર ગણેશ" ની છબી આ ટેકનીકલ શબ્દોને સરળ, દ્રશ્ય અને યાદગાર સ્વરૂપમાં રજૂ કરે છે. જે સાયબર અવેરનેસ સંદેશને વધુ સકારાત્મક બનાવે છે, વધુમાં તે લોકોને સુરક્ષિત રહેવા માટે પણ પ્રેરિત કરે છે.
(4) સકારાત્મક અને સશક્તિકરણ સંદેશ
"સાયબર ગણેશ" ની છબી સકારાત્મક અને સશક્તિકરણ સંદેશ આપે છે. તે દર્શાવે છે કે, જેમ ભગવાન ગણેશ અવરોધોને દૂર કરે છે, તેમ સાયબર જ્ઞાન અને જાગૃતિથી સજ્જ વપરાશકર્તાઓ ડિજિટલ વિશ્વના અવરોધોને દૂર કરી શકે છે, અને પોતાને સુરક્ષિત રાખી શકે છે.
મયુર ભુસાવળકર (સાઈબર એક્સપર્ટ)