logo-img
Bhupendra Patel Holds Important Meeting In Delhi Before Vibrant Summit

વાઇબ્રન્ટ સમિટ પહેલા ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં મહત્વની બેઠક : ગુજરાત હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર

વાઇબ્રન્ટ સમિટ પહેલા ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં મહત્વની બેઠક
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 12:55 PM IST

સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે, 69 બિલિયન યુએસ ડોલરના એફ.ડી.આઈ. અને નિકાસમાં 27%ના યોગદાન સાથે ગુજરાત સુદ્રઢ વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે મોડી સાંજે યોજાયેલી આ સંવાદ બેઠકમાં 45 જેટલા રાષ્ટ્રોના રાજદૂતો, ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આ સંવાદ બેઠકમાં કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઈમેજથી આગળ વધીને હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર છે. તેમણે ઉમેર્યું કે, એ.આઈ., સ્પેસટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, ઈ.વી. અને ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સના ઉદ્યોગોના કેન્દ્ર સાથે ગુજરાત દેશનું પથપ્રદર્શક રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં ગુજરાત ગ્રોથ, સ્ટેબિલિટી અને ઓપોર્ચ્યુનિટીઝનું ઉજ્જવળ પ્રતીક અને વૈશ્વિક રોકાણકારો માટે એક ટ્રસ્ટેડ પાર્ટનર પણ છે. નીતિ આધારિત શાસન, રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણ અને સુગ્રથિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ગુજરાતની સ્ટ્રેન્થ છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો, 49 પોર્ટ્સ અને પીએમ ગતિશક્તિ અન્વયે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે લોજિસ્ટિક્સ અને નિકાસમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં, ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનો ફાળો આપે છે. VGRCની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પહેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં વિસ્તૃત કરશે, MSMEને સશક્ત બનાવશે અને પ્રાદેશિક રીતે સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે.

તેમણે રાજદ્વારીઓ અને ભાગીદાર દેશોને VGRC થીમ, "પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ" સાથે અનુરૂપ અને ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇકોનોમીઝના નિર્માણમાં ગુજરાત સાથે સહભાગી થવા તેમજ વેપાર, રોકાણ, ટેકનોલોજી, અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સાથે આગામી રિજનલ કોન્ફરન્સીસમાં ભાગ લેવા માટે રાજદ્વારી સમુદાયને ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધો પ્રભાગના સચિવ શ્રી સુધાકર દાલેલાએ જણાવ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા પછીનું મહત્વનું કદમ છે અને પ્રાદેશિક શક્તિઓ દર્શાવવા, જમીની સ્તરના વિકાસને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક આકાંક્ષાઓને વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના વ્યાપક વિઝન સાથે સુસંગત પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તેમણે ગુજરાત સરકારની VGRCની આ નવીનતમ પહેલની પ્રશંસા કરતાં આ નવું પ્લેટફોર્મ રોકાણકારોમાં સમાન ઉત્સાહ પેદા કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now