અમદાવાદ શહેરમાં ફરી એક વાર ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી દુકાનમાંથી લેવામાં આવેલા સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે.
માહિતી અનુસાર, 4 સપ્ટેમ્બરના રોજ સાંજે એક મહિલા સમોસા લેવા માટે દુકાન પર ગઈ હતી. સમોસા સાથે અપાયેલી ચટણી ઘરે ખોલતાં પહેલાં તે કોથમીર જેવું લાગી, પરંતુ નજીકથી જોયા બાદ તે ગરોળી હોવાનું બહાર આવ્યું. ઘટના બાદ પરિવારજનોએ સમોસાની થાળી સ્પર્શ્યા વગર મૂકી દીધી.
પરિવારજનોએ તરત જ દુકાનદારને જાણ કરી હતી, પરંતુ દુકાનદારએ આ બાબત સ્વીકારવાનો ઈન્કાર કર્યો. અંતે, તેમણે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નંબર 155303 પર નોંધાયેલી આ અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.
આ ઘટના પછી વેજલપુર સહિત અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ખાદ્ય પદાર્થોમાં મળતા જંતુઓ અને અશુદ્ધિઓના કારણે વારંવાર આવી ફરિયાદો ઉઠતી રહે છે, જેને લઈને ગ્રાહકોમાં અસંતોષ જોવા મળે છે.