મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે યોજાયેલી સંવાદ બેઠક રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો જે વિચાર આપ્યો હતો તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ શરૂ કરી રહ્યાં છીએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની પણ ભૂમિકા વ્યાપક પ્રાદેશિક વિકાસ સંભાવનાઓના સંદર્ભમાં આપી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે. આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકો સિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. એટલું જ નહિ, સ્થાનિક એમ.એસ.એમ.ઇ. અને આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાની તક મળશે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, આવી રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારના આયોજનથી રિજનલ પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકો સામે પ્રસ્તુત કરવાનો મંચ મળશે.
‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ - લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. તેમણે આગામી 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનારી વી.જી.આર.સી.માં સક્રિય સહભાગી બનવાનું ઉદ્યોગ અગ્રણીઓને ઇજન પાઠવ્યું હતું.