શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માઁ અંબેના દર્શેને ઉમટ્યું છે. પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેનો લાભ માઇભક્તો લઈ રહ્યા છે.
ભાદરવી પૂનમ મહા મેળામાં આજે ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહા મેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો. એકસાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગ બે રંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા.
આકાશમાં હજારો રંગીન લાઈટોથી સજ્જ 400 ડ્રોન ફ્લાય કરાયા હતા. જેમાં અંબાજી માતાજીની આકૃતિ, લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્દભુત રચનાઓ બની હતી. રોશની થકી ઊડતા ડ્રોનના દૃશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનોખા ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો.