ગોમતીપુરમાં સિગારેટ સળગાવવા માચીસ માંગતા ચાર શખ્સોએ બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે યુવકે ચાર શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળે લઇ જઇ રિકન્ટ્રક્શન કર્યુ હતુ.
પોલીસે આરોપીનું કર્યું રિકન્ટ્રક્શન
ગોમતીપુરમાં રહેતા ભાવેશભાઇ શાક્ય છૂટક મજૂરી કામ કરે છે. ગત 1 સપ્ટેમ્બરે રાત્રીના સમયે તે મિત્ર સચીન નાગોરી સાથે ચાલીના મેદાનમાં બેઠો હતો. ત્યારે સિગારેટ સળગાવવા માટે જયેશ તથા બાબુ પાસે માચીસ માંગી હતી. પરંતુ બંનેએ માચીસ ન આપીને ભાવેશ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જેથી ભાવેશ ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં તે મહેશ ઉર્ફે ડોન, રવિ અને શુભમ સાથે શરાફની ચાલીના ગેટ પાસે બેસીને વાતો કરતો હતો. આ દરમ્યાન વિક્રમ ઉર્ફે ચરસી, કપીલ પરમાર, તરૂણ પરમાર અને બાબુ દિવાકર ત્યાં આવ્યા હતા અને માચીસ બાબતે થયેલ ઝઘડાની અદાવતમાં ભાવેશ અને મહેશને ચપ્પુના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. જેથી મહેશને લોહિલુહાણ થતા તે ઢળી પડ્યો હતો. તેમજ ભાવેશ અને શુભણ ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
આ દરમ્યાન ચારેય શખ્સો પણ ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બંનેને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે ભાવેશે ચારેય શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ કરીને અન્ય બે આરોપી જય ઉર્ફે જયલો અને કનૈયા ઉર્ફે બાબુ સહિત છ આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળે લઇ જઇને રિકન્ટ્રક્શન કરીને પંચનામુ કર્યુ છે.