logo-img
What Did Chief Minister Bhupendra Patel Say On The New Gst Reform

નવા GST રિફોર્મ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?? : ''GST રિફોર્મ થકી ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનશે''

નવા GST રિફોર્મ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું??
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 10:54 AM IST

રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી #NextGenGST લાવીને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું. GST દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી છે. તેમણે કહ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રોજિંદુ જીવન વધુ સરળ બનશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે.

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા યોજાયેલી 56મી જીએસટી કાઉન્સિલમાં ખેડૂતો, સમાન્ય નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને ઇઝ ઓફ લિવીંગ

એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં સુધારા થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

આ સીમાચિહ્નરૂપી ભલામણો અંગે વિગતો આપતા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેતી માટે જરૂરી એવા ટ્રેકટર, ફર્ટીલાઇઝર, પિયતના સાધનો અને અન્ય મશીનરી વગેરે પર વેરાનો દર 12 થી 18 ટકા હતો, જેને ઘટાડીને હવે માત્ર 05 ટકા કરવામાં આવ્યો છે, જેથી હવે ખેત પેદાશની ઊંચી લાગતમાં ઘટાડો થશે. આ મહત્વપૂર્ણ પગલાથી ગુજરાતના કરોડો ખેડૂતોને ફાયદો થશે.

* પરાઠા, ખાખરા, પનીર, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે.

* પેસ્ટ્રી, કેક, ચોકલેટ, કેન્ડી, સીરીલ ફ્લેક્ષ વગેરે જેવી વસ્તુઓ પરનો વેરાનો દર 18 ટકાથી ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે.

* ડાયાબિટીક ફૂડ, સોયામીલ્ક, દૂધની બનાવટના પીણા, ફ્રૂટ પલ્પના પીણાં વગેરે પરનો વેરા દર 18 ટકાથી ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે.

* ટૂથ પેસ્ટ, શેવીંગક્રીમ, સાબુ વગેરે જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર વેરાનો દર ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે.

* ટેલીવીઝન, એ.સી., ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવા જરૂરી ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ પરનો વેરાનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

* વ્યક્તિગત મેડીક્લેમ અને વ્યક્તિગત જીવન વીમાના પ્રિમિયમને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી.

* કેંન્સર જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતી દવાઓને પણ વેરા માફી આપવામાં આવી છે.

* આ ઉપરાંત સર્જીકલ આઇટમ, મેડીકલ ગ્રેડ ઓક્સિજન, ગ્લુકોમીટર જેવી વસ્તુઓ પરનો વેરાનો દર 12 ટકાથી ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે.

* રબર, શાર્પનર, સ્ટેશનરી બુક્સ, મેપ વગેરેની સ્ટેશનરી જેવી વસ્તુઓને જીએસટી હેઠળ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ, કાગળ, મેથેમેટીકલ બોક્સ, જીઓમેટરી બોક્સ અને કલર બોક્સ પર વેરાનો દર ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે.

* મૂર્તિઓ, લેમ્પ, પેઇન્ટીંગ, સ્ટોન વર્ક જેવી હેંડીક્રાફટની વસ્તુઓ પર વેરાનો દર 12 ટકાથી ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે.

મંત્રીએ કહ્યું હતું કે, 1200 CC થી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી પેટ્રોલ, LPG અને CNG વેરીયન્ટ ગાડીમાં તેમજ 1500 CCથી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી ડીઝલ ગાડીઓ પરનો વેરાનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો નાના અને મધ્યમ વર્ગના પરિવારોને થશે. વેરાના દરમાં આ સુધારાથી સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારો આવશે અને સામાજીક સુરક્ષામાં વધારો થશે.

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, રીન્યુએબલ એનર્જીના વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સોલાર, વીન્ડ તેમજ દરિયાઇ મોજાથી ઉત્પન્ન થતી ઊર્જા માટેના સાધનો અને તેના પાર્ટસ પર પણ વેરાનો દર 12 ટકાથી ઘટાડીને 05 ટકા કરવામાં આવ્યો છે. માઇક્રો તેમજ નાના ઉધોગને આ સુધારાથી અનેક ફાયદા થશે.

વેરાના દરમા ઘટાડો થવાથી વસ્તુઓનો ઉપભોગ વધશે. વસ્તુ કે સેવાના વર્ગીકરણમાં સુધારો થવાથી લીટીગેશન ઘટશે જેથી “ Ease of doing business”ને પણ વેગ મળશે. રજીસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવાના સુધરાઓથી ધંધામાં કેશફ્લોમાં વધારો થશે તેમજ કોમ્પ્લાયન્સ કોસ્ટમાં ઘટાડો કરીને ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશમાં વધારો થશે. આ ઉપરાંત રીફંડ પ્રક્રિયામાં સરળીકરણ તેમજ રીફંડ અરજીનો ઝડપી નિકાલ થતા નાણાકીય લિક્વીડીટીના પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

GST કાઉન્સિલ દ્વારા તમામ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ સિમાચિન્હરૂપ ભલામણથી ભારત તેમજ ગુજરાતનુ અર્થતંત્ર વધુ ઝડપથી આગળ વધશે તેમજ“ગતિમાન ગુજરાત, ગતિમાન ભારત”ની અને “વિકસીત ભારત – 2047”ની સંકલ્પના સાકાર થશે.  

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now