રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા "ડાયલ 112 જનરક્ષક પ્રોજેકટ"તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું. જેમાં ડાયલ 112 જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને 500 જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. 217 કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -15700 સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “જનરક્ષક – 112”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે. “જનરક્ષક – 112”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં 150 કર્મચારીઓ 24/7 સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે.
ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે. ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે.
સુશાસનથી પ્રેરિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની ધુરા સંભાળ્યા બાદ આતંકવાદ, ઘૂસણખોરી, નક્સલવાદ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે નાર્કોટિક્સ, આતંકવાદ, સાઈબર ગુનાઓ વિરુદ્ધ કામગીરી કરીને નાગરિકોની સુરક્ષા તેમને તાત્કાલિક સેવાઓ પહોંચાડવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કાબીલેદાદ કામગીરી કરી છે.
શાહે આ પ્રસંગે રૂ. 217 કરોડના ખર્ચે જેલ, હોમગાર્ડના કર્મીઓ માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનોના ઈ-લોકાર્પણ કરતાં કહ્યું હતું કે,પોલીસ કર્મીઓને આપેલો કોલ પ્રધાનમંત્રીએ સારી રીતે નિભાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના કાર્યકાળમાં સમગ્ર વિશ્વમાં ભારતની સીમા અને સેના સાથે છેડખાની ન થાય તેમ પ્રસ્થાપિત થયું છે. ભારત આત્મરક્ષા માટે કોઈપણ સ્તરે જઈ સીમાઓની રક્ષા માટે સજજ છે. આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની કામગીરીના પરિણામે ઉત્તર-પૂર્વમાં 10,000થી વધુ લોકો સરેન્ડર થયા છે તેમ જણાવી મંત્રીએ આગામી 31 માર્ચ, 2026ના દિવસે સમગ્ર દેશમાંથી નકસલવાદ સમાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એક નંબર, અનેક સેવાનો' ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિને વધુ સંગીન બનાવીને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ રાજ્યના પોલીસ દળમાં થઈ રહ્યો છે આ સમારોહ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાજ્ય પોલીસદળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ,ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, એટલું જ નહીં પોલીસ પ્રશિક્ષણની આખી તાસીર બદલી નાખીને નવા પડકારોને પહોંચી વળવા પોલીસદળને આધુનિકતા સાથે સ્માર્ટ પોલીસીંગ માટે વધુને વધુ સજ્જ અને સક્ષમ બનાવ્યું છે.તેમણે એમ પણ કહ્યું કે, આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિકશન માટે સમયાનુસાર બદલાવ લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે કેપેબલ થયા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજના દિવસને ગુજરાતની સલામતી અને સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક દિવસ ગણાવીને કહ્યું હતું કે, આજથી હવે રાજ્યના નાગરિકોએ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 107/1077 એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે તમારે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. નાગરિકોને તેમની ઇમર્જન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય 112 હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે 112ના લોન્ચિંગથી ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બનશે.
આ નવી વ્યવસ્થાથી નાગરિકોને ત્વરિત અને અસરકારક પ્રતિસાદ મળશે. મહત્વની વાત એ છે કે, જનરક્ષક વાહનોને કોઇ પોલીસ સ્ટેશન હદ નડશે નહિ, ઘટના સ્થળની સૌથી નજીક જે વાહન હશે તે સૌથી પહેલા પહોંચશે. કોલ કરનારનું સચોટ લોકેશન મેળવી ઇમરજન્સી સેવાની ટીમોનું તુરંત પ્રસ્થાન થઈ શકશે. આ સેવાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.