નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર યુવકને ગ્રામ પંચાયતના મહિલા સભ્ય અને અન્ય મહિલાઓએ મળીને ગામમાં સરઘસ કાઢી હેરાનગતિ કરી અને વીજ થાંભલે બાંધીને તેને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે.
દીપકને આખા ગામમાં દોડાવી-દોડાવીને માર માર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર દીપક તડવી નામના યુવકે પીએમ આવાસ યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો. જેના પગલે ગ્રામ પંચાયતની મહિલા સભ્ય વિશાખાબેન તડવી અને કંચનબેન તડવી સહિત ગ્રામની અન્ય મહિલાઓ દીપકને પૂછપરછ કરવા માટે આવી હતી. જે પછી આ મહિલાઓએ દીપકને સુભાષ વસાવાના ઘર નજીક વીજ થાંભલે દોરડાથી બાંધી દીધો અને ત્યારબાદ દિવ્યેશ તડવી, હંસાબેન તડવી સહિતના લોકોએ તેને માર માર્યો હતો.
દીપકને આખા ગામમાં દોડાવી-દોડાવીને માર્યો હતો
સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
ઘટનામાં દીપકને ગંભીર ઈજાઓ પહોંચી, જેના કારણે તેને પહેલા સ્થાનિક સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો અને બાદમાં વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સાગબારા પોલીસમાં આરોપી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે અને ફરિયાદના આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
''થાંભલે બાંધી ને બહું જ માર્યો છે''
દીપકે વધુમાં જણાવ્યું કે, ''મને માર્યો છે, આ મહિલાઓએ મને બોલાવી ને થાંભલે બાંધી ને બહું જ માર્યો છે, મે પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે, હજું પણ મારા જીવને જોખમ છે''