ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની GHCL કંપનીમાં એક કર્મચારી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીજ ગામના 36 વર્ષીય સતીશ વાળા નામના કર્મચારીએ કંપનીમાં ડ્યુટી દરમિયાન જ ઝેરી દવા પી લીધી હતી.
આપઘાતનો પ્રયાસ
આ ઘટના ગઇકાલે સાંજના સમયે બની હતી, જે બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઝેરી દવાનું સેવન કરતાની સાથે જ અન્ય કર્મચારીઓએ સતીશ વાળાને તાત્કાલિક સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ગંભીર પગલાં પાછળનું કારણ કંપનીના ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ હોવાની ચર્ચા છે. કંપનીમાં કામ દરમિયાન સતત દબાણ અને તણાવને કારણે તેમણે આ કઠોર પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે તપાસ હાથધરી
પોલીસએ આ મામલે તપાસ શરૂ કરી છે અને એ સ્પષ્ટ કર્યો છે કે સંપૂર્ણ તપાસ બાદ આત્મહત્યાના પ્રયાસનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ સતીશ વાળાની તબિયત સ્થિર છે, પરંતુ તેઓ પુનઃસ્વસ્થ થયા બાદ તેમના નિવેદનના આધારે વધુ સત્ય બહાર આવવાની શક્યતા છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે GHCL કંપનીના કેટલાક અધિકારીઓ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેથી કંપનીની છબી ન ખરડાય.