ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. રાજ્યના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આગામી વિધાનસભા સત્ર તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું છે.
પાંચ વિધેયકો રજૂ કરાશે
સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત કરવામાં આવશે અને ત્યાર બાદ શોક ઠરાવ રજૂ થશે. તારીખ 9 અને 10ના દિવસે પણ પ્રશ્નોત્તરી ચાલી રહેશે અને આ દરમિયાન કુલ પાંચ વિધેયકો રજૂ કરવામાં આવશે. આ વિધેયકોમાં ખાસ કરીને શ્રમ અને કૌશલ્ય વિકાસ, રોજગાર, નાણાં, ઉદ્યોગો, ખાણ વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. દરેક બિલ પર વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવશે.
'ઓપરેશન સિંદૂર' માટે અભિનંદન પ્રસ્તાવ
સત્ર દરમિયાન 'ઓપરેશન સિંદૂર' માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો ખાસ અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશના સુરક્ષા દળો દ્વારા અમલમાં લેવાયેલા સફળ પ્રયાસોને માન આપવામાં આવશે.
CM દિલ્હી જશે!
આ સાથે મુખ્યમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં યોજાનારી મહત્વની "વાઈબ્રન્ટ ગુજરાત સમિટ" સંબંધિત બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં B2B બેઠકો, નેટવર્કિંગ, અને કારીગરોને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોજગારીના નવા અવસરો ઊભા થાય અને ઉદ્યોગિક વિકાસ થવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
'મુખ્યમંત્રીને હક છે તે ધારે તેને કાર્યભાર શોપી શકે છે'
બચુ ખાબડના મંત્રીપદ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રીને હક છે તે ધારે તેને કાર્યભાર શોપી શકે છે''