"આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળા 2025માં દૂર દૂરથી માઇભક્તો અંબાજી ખાતે પધારી રહ્યા છે ત્યારે પદયાત્રી શ્રધ્ધાળુઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત થયા છે. જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે. આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અને મહાનુભાવોએ મંગળ આરતી કરીને સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સંવાદ કરીને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું.
ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે. આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પમાં મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ છે. જેમાં મલ્ટીપેરા મોનિટર, ઈ.સી.જી. મશીન, ડિફિબ્રીલેટર, ઓક્સિજન, સકશન મશીન, મસાજ માટે વાઈબ્રેટર મશીન, પાટા પિંડીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત જનરલ ઓપીડી, સર્જીકલ, ઓર્થોપેડિક, મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે. જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે. આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડીકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, લાખો ભક્તો માં અંબાના દર્શને આવી રહ્યા છે. પદયાત્રા કરતાં ભક્તોમાં સૌથી વધુ તકલીફ સ્નાયુઓના તણાવની હોય છે ત્યારે તેના માટે બનાસ મેડીકલ કેમ્પમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સેવામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વહીવટી તંત્ર દ્વારા મેળા માટે ખાસ વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે. જે બદલ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય તેમજ બનાસના દરેક નાગરિક પર માં અંબાના આશીર્વાદ મળી રહે તેવી પ્રાર્થના કરી હતી.
આ મેડીકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, બનાસ ડેરીના વાઈસ ચેરમેનશ્રી ભાવાભાઈ રબારી, દિલીપ દેશમુખ દાદા સહીત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.