Hathmati River Beauty: ચોમાસાની ઋતુએ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લાની કુદરતી ધરોહરને નવજીવન આપ્યું છે. હિંમતનગર નજીકના પિપલોદી વિસ્તારમાં વહેતી હાથમતી નદીનું સૌંદર્ય આ દિવસોમાં સોળેકળાએ ખિલ્યું છે. તાજેતરમાં સામે આવેલા ડ્રોન વીડિયોમાં નદીની ભવ્યતા અને લીલીછમ હરિયાળીથી ઘેરાયેલા વિસ્તારમાં સર્જાયેલું કુદરતી દ્રશ્ય દરેકને મંત્રમુગ્ધ કરી દે તેવું છે.
વોટરફોલનો અવતાર ધારણ કરેલી નદીઃ
ભારે વરસાદના કારણે હાથમતી નદી બંને કાંઠે છલકાઈ રહી છે. પિપલોદીના પર્વતીય કોતરમાંથી વહેતાં પાણીનું પ્રવાહ હવે એક સુંદર પ્રાકૃતિક વોટરફોલનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. આ દ્રશ્યોને ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે જેમાં નદીની મઝેલી મઝેલી લહેરો, તેની આસપાસની લીલીછમ ભૂદૃશ્ય રચનાઓ અને ધીમી ઝરમર વહેતી નદીની મધુર છબિ સ્પષ્ટપણે ઝળકે છે.
પ્રવાસીઓ માટે નવું પર્યટન સ્થળઃ
આ દૃશ્યો પ્રકૃતિપ્રેમીઓ અને ફટોગ્રાફી શોખીન પ્રવાસીઓ માટે નવી ઉત્સુકતા જગાવે એવા છે. શહેરના ગુમ્સુમ જીવનથી દૂર, પિપલોદી જેવા ગામડામાં કુદરતે આપેલું આ અલૌકિક દાન હવે લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે વિકસતું જાય તેવી સંભાવનાઓ સર્જાઈ છે.
છલકાયા જળાશયોઃ
છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ ઇડરમાં 69 મિમી, ખેડબ્રહ્મામાં 53 મિમી, અને વડાલીમાં 43 મિમી વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં પણ પ્રમાણમાં સારું વરસાદ નોંધાયો છે.
હાથમતી નદી હવે 100% ભરાઈ ગઈ છે અને અત્યારસુધી 5425 ક્યૂસેક પાણીની આવક-જાવક નોંધાઈ છે. હાથમતી પિકઅપ વિયર સતત ચોથા દિવસે ઓવરફ્લો થઈ રહ્યો છે. હરણાવ જળાશય પણ 96.31% ભરાઈ ગયો છે, જ્યારે ગુહાઈ જળાશય 94.69% સુધી ભરાઈ ચુક્યો છે.
ડ્રોનથી જોઈ શકાશે પિપલોદીનો ‘ઝરતો સ્વર્ગ’:
જો તમે ચોમાસાની મજા માણવા ઈચ્છતા હોવ, તો પિપલોદીનું આ સ્થળ તમારા માટે શ્રેષ્ઠ છે. કંટાળાજનક રુટિનમાંથી થોડો સમય કાઢીને કુદરતના આ દૃશ્યોની મુલાકાત જરૂરથી લેજો.