સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં એક ગંભીર અને માતાપિતા માટે ચેતવણી જનક ઘટના બની છે, જ્યાં એક 6 વર્ષની નાની બાળકી સાથે 62 વર્ષના વૃદ્ધએ અડપલા કર્યા હોવાનો આરોપ કરાયો છે. આ ઘટના વોરવાડ વિસ્તારમાં બની હતી, જ્યાં આરોપી અબ્દુલ રહીમ વોરા ઉર્ફે "બતક" નામનો વૃદ્ધ આઈસ ગોળા બનાવવાનું કામ કરતો હતો.
વૃદ્ધે અડપલા કર્યા
ઘટનાની વિગતો પ્રમાણે, નાની બાળકી એકલી રસ્તે જતી હતી ત્યારે વૃદ્ધે તેને બોલાવીને બે થી ત્રણ વખત અશ્લીલ રીતે સ્પર્શ કર્યો અને નાની બાળકી આ ઘટનાઓથી ગભરાઈ ગઈ અને તરત જ ઘરમાં જઈ પોતાના માતા-પિતાને સમગ્ર બાબત જણાવી હતી.
POCSO એક્ટ હેઠળ
બાળકીના માતા-પિતાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી અબ્દુલ રહીમ ઉર્ફે બતક વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
POCSO કાયદો શું છે?
POCSO (Protection of Children from Sexual Offences Act) એ બાળકોને યૌન શોષણથી બચાવવા માટે 2012માં બનાવેલ કાયદો છે. આ કાયદા હેઠળ આવા ગુનાઓ માટે કઠોર સજા ફટકારવામાં આવે છે.