મહેસાણાના લીંચ ગામમાં આવેલ ખોડિયાર સોસાયટીમાં ભરબપોરે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ઊંઘતી પોલીસ દોડતી થઇ છે. ચાર શખ્સ રિવોલ્વરની અણીએ ઘરમાં ઘૂસી મહિલાને ધમકાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ અંદાજે 6.5 લાખની મત્તા લઈ ફરાર થઇ જતા પોલીસે નાકાબંધી કરી લૂંટારૂઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, લીંચ ગામે ખોડીયાર સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ દીકરાને કેનેડા મોકલવાનો હોય લૂંટારૂઓ પૈકીના કોઈ શખ્સ સાથે વિઝા એજન્ટ સમજીને તેની સાથે વાતચીત ચાલતી હતી અને આ અંગે વધુ ચર્ચા કરવાના બહાને લૂંટારૂઓની ટોળકીના બે શખ્સો આજે બપોરે ઘરની અંદર પ્રવેશ્યા હતા,જેઓ ઘર માલિક ચેતનાબેન પટેલ સાથે આ મુદ્દે ચર્ચા કરતા હતા, ઘરમાં મહિલા એકલી હોવાનો લાભ લઈ લૂંટારૂઓએ રિવોલ્વર બતાવી ચેતનાબેન પટેલને ભયભીત કરી રોકડ રકમ નો થેલો લઇ ફરાર થઇ ગયા હતા.ચેતનાબેન ના જણાવ્યા મુજબ થેલા માં રૂપિયા ૧૦ લાખ ની રોકડ રકમ હતી.
સમગ્ર મહેસાણામાં નાકાબંધી
ઘટના બાદ જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતા દોડી આવેલ લાંઘણજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરબપોરે લૂંટની ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કાળા રંગની કારમાં આવેલા લૂંટારૂઓ CCTV કેદ થયા
ઘરના CCTV કેમેરામાં લૂંટારૂઓની ભાગવાની ઘટના કેદ થઇ છે. કાળા કલરની કારમાં આવેલા લુટારુઓના બે સાગરીતો પ્રથમ ઘરમાં અંદર ગયા હતા બાદમાં તેઓના અન્ય બે સાગરીતો આવ્યા હતા જેઓ દરવાજા નો કાચ તોડી અંદર રહેલા બે લૂંટારૂઓ ને બહાર આવવા માટે મદદ કરે છે દરવાજાનો કાચ તોડીને બે લૂંટારૂઓ ને બહાર કાઢવામાં આવે છે.. અને બહાર નીકળી સોસાયટીની ગેટ બહાર ઉભેલી કારમાં સવાર થઇ ચારેય ફરાર થઇ જાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, લૂંટારૂઓની ઓળખ માટે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સનો સહારો લેવાઈ રહ્યો છે. નજીકના વિસ્તારોમાં પણ લુટારુઓની શોધખોળ શરુ કરાઈ છે. જોવાનું હવે એ રહ્યું કે પોલીસ ક્યાર સુધીમાં આ લૂંટારૂઓને પકડી શકે છે.