ભરૂચના ભોલાવ ગામમાં મોડી સાંજે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ અને ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યના નેતૃત્વમાં એક ટોળા સાથે લુખ્ખાગીરી કરવાનો ગંભીર બનાવ બન્યાનો આક્ષેપ કરાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તથા ભોલાવ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ રણજીતસિંહ વાસિયાએ તેના સાથીઓ સાથે મળીને સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા એક પરિવાર પર હુમલો કર્યોનો આક્ષેપ કરાયો છે તેમજ CCTV પણ સામે આવ્યા છે.
ટોળા સાથે ઘરમાં ઘૂસીને કરી લુખ્ખાગીરી!
આ હુમલા દરમિયાન તેઓ બીજાના ઘરમાં ઘૂસી ગયા અને પરિવારના સભ્યો સાથે મારામારી કરી હતી. સાથે જ ઘરમાં તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. ઘટનાનો વિવાદ એટલા માટે થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના લોકોએ પોતાના ખર્ચે બનાવેલા પ્રવેશદ્વાર (ગેટ) પર ભાજપના જિલ્લા પ્રમુખનું નામ ઉમેર્યું હતું
સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટોળા સાથે ઘરમાં ઘૂસીને હુમલો કરતા દ્રશ્યો જોવા મળ્યા છે. હાલ પોલીસએ માહિતીના આધારે જાણવા જોગ અરજી નોંધી છે. આ સમગ્ર ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક રહેવાસીઓ અને સોસાયટીના સભ્યોએ પંચાયતના સભ્યના દુરુપયોગ અને અસામાજિક વર્તન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.