કચ્છ જિલ્લામાં અવારનવાર શિક્ષકોની ઘટને લઈને સર્જાતી સમસ્યાને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગે કચ્છમાં 4100 શિક્ષકોની વિશિષ્ટ ભરતી કરવામાં આવશે. આ નિર્ણય થકી કચ્છના શિક્ષણને બહુ મોટો એવો ફાયદો થશે.
આ નિર્ણયને લઈ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ વાત કરતા જણાવ્યું કે, 'શિક્ષકોની વિશિષ્ટ ભરતી કચ્છના વિધાર્થીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યા સમાન બની રહેશે. ગત મે મહિનામાં શિક્ષકોની ભરતી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલી હતી જેમાં લગભગ 40,000 જેટલા ફોર્મ ભરાયા હતા. જેના કારણે અત્યારે વડી કચેરી ખાતે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.'
વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, 'પ્રથમ તબક્કે 2800 શિક્ષકોની નિમણૂક કરવામાં આવનાર હતી, જેમાં 1000 જેટલા શિક્ષકોની પસંદગી કરાઈ છે. પરંતુ હજુ 3,000 જેટલા શિક્ષકોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. જેમાં 2500 જેટલા શિક્ષકોને 1 થી 5 ધોરણ સુધીમાં અને 6 થી 8 ધોરણમાં 1,600 શિક્ષકો નિમણૂક અપાશે. વિશિષ્ટ ભરતી થકી કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો તેનું નિરાકરણ આવશે.'