logo-img
Record Breaking Increase In Coconut Plantations

નાળિયેરીના વાવેતરમાં રેકોર્ડ બ્રેક વધારો : રાજ્યમાં છેલ્લા એક દાયકામાં 5,746 હેક્ટર પહોંચ્યું

નાળિયેરીના વાવેતરમાં રેકોર્ડ બ્રેક વધારો
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 01:22 PM IST

સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાળિયેરી વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાળિયેરી વિકાસની સુવર્ણ કેડી કંડારી હતી. જેના ફળસ્વરૂપે આજે ગુજરાતમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૫,૭૪૬ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ 2014-15માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 22,451 હેક્ટર હતો, જે વર્ષ 2024-25માં વધીને 28,197 હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન 26.09 કરોડ યુનિટથી પણ વધુ છે.

ગુજરાતમાં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ પુષ્કળ

ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી રાજ્યમાં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં હાલ 45.61 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર 28,000 હેક્ટરથી વધીને 70,000 થી 80,000 હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. હાલ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દરિયાકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ નાળિયેરીનું ઉત્પાદન વધે તે માટે નાળિયેરીના ઉત્પાદનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

નાણાકીય સહાયથી નાળિયેર ઉત્પાદનને મળશે વેગ

ગુજરાતમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો હતો. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં રૂ. 550 લાખ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય, તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

સાથે જ, નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 5,000 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય ખેડૂત દીઠ અથવા ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ 90 ટકા મુજબ રૂ. 13,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારના નાળિયેરી વિકાસ માટેના સરાહનીય પગલાથી ગુજરાતના નાળિયેરી ઉત્પાદનમાં વધારો થશે.

ઉનાળામાં નાળિયેરની માગ સૌથી વધુ

ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી મુખ્યત્વે નાળિયેરનું ત્રોફા તરીકે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે 40 ટકા જેટલા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. બારે માસ મળતા નાળિયેરની માંગ ઉનાળામાં એટલે કે, માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે. આ ઉપરાંત ૫ ટકા નાળિયેરનું ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે ઉત્પાદન કરે છે.

નાળિયેરના મૂલ્યવર્ધન થકી મબલખ આવક

ભારતીય સંસ્કૃતિમાં કલ્પવૃક્ષ સમાન નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. નાળિયેર મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ હોવાથી તેનું મૂલ્યવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક ખેડૂતો અને કૃષી એકમો નાળિયેરમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક/બૉટલ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી, તેનું વેચાણ કરીને મબલખ આવક મેળવી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now