પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેઠાસર ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. જુની અદાવતના કારણે હિંસક અથડામણ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક જ પરિવારના બે જૂથો વચ્ચે અંગત અદાવતના કારણે વિવાદ થયો હતો, જે બાદ બંને પક્ષોએ સામે સામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પથ્થરમારાની ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત
આ ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ પણ કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે પથ્થરમારાની ઘટના જોઈ શકાય છે. આ પથ્થરમારમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
5 મહિલા અને 4 પુરૂષો સામે ગુનો નોંધાયો
આ અથડામણ બાદ રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને પાંચ મહિલા સહિત ચાર પુરુષો સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. કુલ મળીને નવ (9) લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અથડામણ જૂની અદાવતના કારણે થઈ હોવાનું અનુમાન છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે