આગામી 20 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (પંચમહાલ ડેરી)ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં પંચમહાલ ડેરીના વર્તમાન ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ ફોર્મ ભર્યું છે.
ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણીની પ્રક્રિયા કર્યા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. જોકે, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 10મી સપ્ટેમ્બર બાદ જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે. હાલની પરિસ્થિતિ જોતાં ડેરીની તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતાઓ છે.
નોંધનીય છે કે, પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળના વર્તમાન વ્યવસ્થાપક મંડળે કોઈ પણ વિવાદ વિના સફળતાપૂર્વક તેમની મુદત પૂર્ણ કરી છે. જેથી સભાસદોના હિત અને ડેરીમાં સુશાસનમાં લેવાયેલા નિર્ણયોને કારણે ચૂંટણીમાં સર્વસંમતિ સધાય તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
જણાવી દઈએ કે ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (પંચમહાલ ડેરી)ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીની મતગણતરી 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે.