નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડકાંડ કેસમાં અત્યારે જેલમાં બંધ છે. ત્યારે આગામી દિવસોમાં વિધાનસભા સત્રને લઈ કોર્ટે 3 દિવસ માટે પેરોલ મંજૂર કર્યા છે. આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામ તારીખ 8થી શરૂ થવા જઈ રહ્યો છે અને જે 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. ત્યારે કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસ માટે પેરોલ મંજૂર કર્યા છે.
ચૈતર વસાવા થપ્પડકાંડ કેસમાં જેલમાં બંધ છે
અત્ર જણાવીએ કે, 5 જુલાઈ 2025થી ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડકાંડ કેસમાં જેલમાં બંધ છે. ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ મારફતે અગાઉ પણ જામીન અરજી કરવામાં આવી હતી, તે સમયે સુનાવણીની તારીખ પણ પડી હતી.
અગાઉ રાજપીપળા કોર્ટે જામીન અરજી ફગાવી હતી
ચૈતર વસાવાને અગાઉ નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પંરતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા, ચૈતર વસાવાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ જામીન અરજી પણ કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જેથી ચૈતર વસાવાના વકીલો દ્વારા સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવાનું નક્કી કર્યું હતું પરંતુ જામીન અરજી રજૂ કરવા માટે દસ્તાવેજી ડખો નડી ગયો હતો. નીચલી કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં આ કેસના દસ્તાવેજો નહીં પહોંચ્યા જેથી જામીન અરજીની જરૂરી કાનૂની પ્રક્રિયા થઈ શકી નહીં. ત્યારબાદ ફરી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ પોલીસે એફિડેવિટ મંજૂર કર્યો ન હતો. ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
જાણો સમગ્ર કેસ?
5 જુલાઈ 2025ના સાંજે ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો. ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, (5 જુલાઈએ) 3 વાગ્યે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી, ત્યારે ગઈકાલે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં રિમાન્ડ નામંજૂર થયા હતા તેમજ તેમની જામીન અરજી પણ રિજેક્ટ થઈ હતી. ત્યારથી સમગ્ર કેસ ચાલી રહ્યો છે, ત્યારે હવે કોર્ટે પેરોલ મંજૂર કર્યા છે