Junagadh News: જૂનાગઢના માંગરોળમાંથી એક અત્યંત કરુણ અને દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં પૌત્ર અને તેના દાદાનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ આજે બપોરે એક જર્જરિત ઇમારત અચાનક ધસી પડી જેમાં મોટરસાયકલ પર પસાર થઈ રહેલા એક દાદા અને તેમના પૌત્રનું કરુણ મોત નીપજ્યું છે.
દાદા-પૌત્ર પર કાટમાળ પડતા મોત
મળતી માહિતી મુજબ મૃતક ચાર વર્ષનો પૌત્ર ઝેદ અને તેના દાદા હુશેન કાસમ મોભી (બાપુ) બપોરે ચા બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક જર્જરિત ઇમારતનો કાટમાળ તેમના પર પડ્યો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તેમને બહાર કાઢ્યા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવી દીધો.
આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન બચાવી શક્યા. આવા જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
માંગરોળના ધારાસભ્યએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું
માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈએ માંગરોળની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, 'જૂનાગઢમાં ચાલી રહેલી એક બેઠક દરમિયાન તેમને આ દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા. જેમાં એક દાદા અને તેમના પૌત્રનું મકાન ધરાશાયી થવાને કારણે મૃત્યુ થયું છે. તેમણે તાત્કાલિક માંગરોળના ચીફ ઓફિસર અને પ્રમુખને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા સૂચના આપી છે.'
આ ઉપરાંત, તેમણે ખાતરી આપી છે કે તેઓ સરકારમાં જર્જરિત ઇમારતો અને મકાનોને ઉતારવા માટે રજૂઆત કરશે. સાથે જ, મૃતકોના પરિવારને ઝડપી સરકારી સહાય મળે તે માટે પણ પ્રયાસો કરશે.