logo-img
Know These Rules Before Holding Service Camps At Bhadravi Poonam Fair

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સેવા કેમ્પનું આયોજન કરતા પહેલા આ જાણી લો : નહીંતર થશે દંડ, જિલ્લા મેજીસ્ટ્રેટેએ જાહેરનામું બહાર પાડ્યું

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સેવા કેમ્પનું આયોજન કરતા પહેલા આ જાણી લો
Published by: Offbeat Team
| Last Updated: Aug 31, 2025, 01:38 PM IST

આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો તા. 01/09/2025 થી તા.07/09/2025 સુધી અંબાજી ખાતે યોજાનાર છે. આ મેળામાં અંબાજી પગપાળા જવા સારૂ મોટી સંખ્યામાં પદયાત્રીઓ / પગપાળા સંઘો પાટણ જિલ્લાની હદમાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે.

પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટએ કર્યું જાહેરનામું પ્રસિદ્ધ

અંબાજી માતાજીના દર્શનાર્થે જતા યાત્રીકોનો ધસારો પાટણ જિલ્લાના વિવિધ માર્ગો પર રહેતો હોય છે. આ સમય દરમ્યાન રોડની સાઈડોની નજીકમાં પદયાત્રીઓની સેવા માટે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ / લોકો દ્વારા સેવા કેમ્પો બાંધવામાં આવતા હોય છે. ઘણા કેમ્પો રોડની એકદમ નજીક બાંધવામાં આવતા હોય છે તેમજ સેવા કેમ્પો આગળ માટીથી બમ્પ બનાવે છે. આથી અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. સેવા કેમ્પો દ્વારા કેમ્પના આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટીક, થર્મોકોલ તેમજ કચરો નાખતા હોય છે. આથી પદયાત્રીઓ / પગપાળા સંઘોની સુરક્ષા ધ્યાને લઈ, પદયાત્રીઓ / પગપાળા સંઘોની જાનમાલ અને સ્વાસ્થયની સાચવણી થઈ શકે, અન્ય લોકોને તકલીફ ન પડે તથા ટ્રાફિકનું સંચાલન રહે તે સારુ પાટણ જિલ્લાની હદમાં સેવા કેમ્પો માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી છે.

સેવા કેમ્પો માટે કેટલાક મુકાયા નિયંત્રણો

વી.સી. બોડાણા(GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લાની હદમાં અંબાજી પગપાળા જતા યાત્રીઓ/સંઘોની સેવા માટે રોડની સાઈડમાં રાખવા/બનાવવામાં આવતા સેવા કેમ્પો માટે નીચે મુજબ હુકમ ફરમાવવામાં આવેલ છે.

(1) સેવા કેમ્પ રોડ થી 30 ફુટ દૂર બનાવવાના રહેશે.

(2) સેવા કેમ્પ બાંધવા સારૂ સંબંધિત કચેરી/વિભાગની પરવાનગી લેવાની રહેશે.

(3) સેવા કેમ્પ આગળ રોડ ઉપર કોઈપણ પ્રકારના બમ્પ બનાવવા નહી તથા રોડ રસ્તા બ્લોક કરવા નહી.

(4) સેવા કેમ્પમાં અને તેની આસપાસ ડસ્ટબિન(કચરાપેટી) ફરજીયાત પણે રાખવાના રહેશે.

(5) સેવા કેમ્પમાં પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરવો નહી.

(6) સેવા કેમ્પમાં સુકા અને ભીના કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે.

(7) સેવા કેમ્પ પૂર્ણ થયા પછી જે તે જગ્યાની સાફ સફાઈ કરવાની રહેશે.

આ હુકમ આજ રોજથી તા.07/09/2025 ના 24: 00 કલાક સુધી અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now