સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દર વર્ષે યોજાતા લોકપ્રિય અને ઐતિહાસિક તરણેતરના ભાતીગળ મેળા પ્રસંગે પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. આ મેળો માત્ર ધાર્મિક-સાંસ્કૃતિક જ નહીં પરંતુ કૃષિ-પશુપાલન ક્ષેત્રના વિકાસ અને પ્રોત્સાહન માટે પણ એક વિશેષ માધ્યમ સાબિત થાય છે.
આ તરણેતરના મેળામાં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી કુલ-220 પશુઓ પશુ પ્રદર્શન અને હરીફાઈમાં ભાગ લીધેલ હતો. જે પૈકી બનાસકાંઠા જિલ્લાના કુલ-19 પશુઓએ તરણેતરના મેળામા ભાગ લીધો હતો.
હરિફાઇના અંતે બનાસકાંઠા જિલ્લાના બે પશુઓએ રાજ્યસ્તરે દ્વિતીય સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સુઇગામ-તાલુકાના સનાળી ગામના પશુપાલક મોંઘીબેન વર્ધસિંહ રાજપુત (કાંકરેજ ઓલાદની શુદ્ધ લક્ષણો ધરાવતી વોડકીનો રાજ્યમાં દ્વિતીય નંબર) તેમજ સુઇગામ તાલુકાના બેણપ-ગામના પશુપાલક ગીતાબેન ઠેગાભાઈ બોડાણા (બન્ની ઓલાદન શુદ્ધ લક્ષણો ધરાવતી ભેસનો દ્વિતીય નંબર) હાંસલ થયેલ છે.
આ રીતે બનાસકાંઠા જિલ્લામાંથી ભાગ લેનારા પશુપાલકો રાજ્ય સ્તરે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા બંને પશુપાલકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જિલ્લાના અન્ય પશુપાલકોને વધુ ને વધુ શુદ્ધ લક્ષણો ધરાવતી જાતિઓ ઉછેરવા તથા આગામી સમયમાં પશુ પ્રદર્શન અને હરિફાઇમાં સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.