ગણેશ ઉત્સવના પાવન અવસરે વિસર્જન દરમિયાન બે દુઃખદ ઘટનાઓ સામે આવી છે. એક ઘટનામાં જામનગરમાં એક જ પરિવારના ત્રણ લોકો તળાવમાં ડૂબી ગયા, જ્યારે બીજી ઘટના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બની હતી જ્યાં એક યુવાન નદીના વહેણમાં તણાઈ ગયો હતો.
ગણેશ વિસર્જન દરમિયાન ડૂબતા ત્રણના મોત
જામનગરના નાઘેડી વિસ્તારમાં આવેલા કબીર લહેર તળાવ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન અત્યંત દુઃખદ ઘટના બની હતી. પ્રિતેશ દિનેશ રાવલ (ઉંમર 35 વર્ષ) પોતાના બે પુત્રો સાથે વિસર્જન કરવા તળાવ પાસે ગયા હતા. જોકે, કોઈ કારણસર ત્રણે લોકો તળાવના પાણીમાં ડૂબી ગયા. બાળકોના નામ સંજય પ્રિતેશ રાવલ (ઉ.વ. 15) અને અંશ રાવલ (ઉ.વ. 4) છે. દુર્ભાગ્યવશ ત્રણેયનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
શોકનો માહોલ
આ પરિવાર જામનગર શહેરના રામેશ્વર વિસ્તારમાં આવેલી જલારામ પાર્ક સોસાયટીમાં રહેતો હતો. અકસ્માત બાદ તરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પી.એમ. માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં આ ઘટના બાદ શોકનો માહોલ છવાઈ ગયો છે અને પરિવાર પર દુખનું ઘેરું વાદળ છવાયું છે.
કરજણ નદીમાં યુવાન તણાયો
તો આ તરફ નર્મદા જિલ્લાના રાજપીપળામાં મોતીબાગ વિસ્તારમાં રહેતા અર્જુન જવાનસીગ વસાવા (ઉંમર 25 વર્ષ) ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે ગણપતિ વિસર્જન માટે કરજણ નદી કિનારે સરકારી ઓવાર ખાતે ગયા હતા. તેઓ બીજા ફળીયાની પ્રતિમા લઈને પુલની વચ્ચે ગયા અને ગણપતિજીની પ્રતિમા પધરાવતાં અચાનક પાણીના તીવ્ર વહેણમાં તણાઈ ગયા. હજુ સુધી અર્જુનનું અત્તો-પત્તો લાગ્યો નથી. ઘટનાની જાણ થતા SDRFની ટીમે તપાસ હાથ ધરી છે