જામનગર જિલ્લાના નાધેડી નજીક આવેલા લહેર તળાવના પાછળના ભાગમાં બે વ્યક્તિ ડૂબ્યાની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, પિતા અને તેમનો 7 વર્ષનો પુત્ર તળાવમાં ડૂબી જતા મોત થયા છે.
ડૂબી જવાથી 2ના મોત
પ્રાથમિક અનુમાન મુજબ, બાળક તળાવમાં રમતા રમતા પાણીમાં પડી ગયો હોય અને તેને બચાવવા પિતા પણ પાણીમાં કુદ્યા હોય, પરંતુ તરતા ન આવડતું હોવાથી બંને પાણીમાં ડૂબ્યાની ચર્ચા છે. જેમાં તળાવમાં ડૂબી જવાથી બંનેના ઘટના સ્થળે જ મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે તપાસ હાથધરી
સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા બાદ બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી, પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ તરફથી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ચોકસાઈપૂર્વક આ સમગ્ર ઘટનાક્રમને લઈને વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી
આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક લોકોએ દુઃખ વ્યક્ત કરતાં તળાવ અને પાણીના સ્ત્રોતો નજીક સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવાની માગ કરી છે.