જામનગરના કાલાવડમાં રણુજાનો મેળો ચાલી રહ્યો હતો, અહીં મેળાની મજા માણવા અને રામદેવપીરના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સાંજે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંસદ પૂનમ માડમ પર સોના-ચાંદી અને ડોલરનો વરસાદ થયો હતો.
રણુજા ગામે પરંપરાગત લોકમેળાનું આયોજન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે ત્રણ દિવસીય પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવસ્થાન સમિતિ અને સમગ્ર ભરવાડ સમાજ દ્વારા આયોજિત લોકડાયરામાં સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
પાઘડી પહેરાવીને પૂનમ માડમનું સન્માન
ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ જૂના રણુજાની હીરાભગતની જગ્યામાં આયોજિત લોકડાયરામાં સાંસદ પૂનમ માડમ પર સોના-ચાંદીની નોટો, ડોલર અને 500 રૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો તેમજ પાઘડી પહેરાવીને પૂનમ માડમનું સન્માન કર્યું હતું.
કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી
આ લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. આ દરમિયાન ઘણા કલાકારોએ પણ હાજરી આપી અને રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી હતી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઈટથી રામદેવપીરની આરતી ઉતારવામાં આવી હતી. આ દૃશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું. સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશલાઈટથી આરતીમાં ભાગ લીધો હતો.