logo-img
I Pragati Initiative Citizens Experience Transparency

I-PRAGATI પહેલ- નાગરિકોને પારદર્શકતાનો અનુભવ : ગુજરાતમાં ત્રણ મહિનામાં લાખો ફરિયાદીઓએ કેસની 'પ્રગતિ' જાણી

I-PRAGATI પહેલ- નાગરિકોને પારદર્શકતાનો અનુભવ
Published by: Offbeat Team
| Last Updated: Sep 03, 2025, 11:31 AM IST

રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણેક માસ પહેલા I-PRAGATI (Intelligent Progress Reporting and Grievance Addressing through Technology Initiative) પહેલ શરૂ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ SMS મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે.

I-PRAGATI પહેલ: નાગરિકોને પારદર્શકતાનો અનુભવ

I-PRAGATI પહેલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે, જેનાથી નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી. આ પહેલ શરૂ કરી ત્યારથી એટલે કે તા.14 મે, 2025 થી 28 ઓગસ્ટ, 2025 દરમિયાન, I-PRAGATI એ નાગરિકોને લાખોની સંખ્યામાં SMS મારફતે અપડેટ્સ મોકલી છે, જેમાં FIR દાખલ થઈ ગયા અંગે ૧.૫૯ લાખથી વધુ SMS, પંચનામા અંગે 1.65 લાખથી વધુ SMS, નોટિસ અંગે ૨૫ હજારથી વધુ SMS, આરોપીના જામીન અંગે 26 હજારથી વધુ SMS, આરોપી ધરપકડ અંગે 1.58 લાખથી વધુ SMS, મુદ્દામાલ રિકવર અંગે 89 હજારથી વધુ SMS અને ચાર્જશીટ થયા અંગે 1.63 લાખથી વધુ SMS મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે. આ પહેલથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે.

નાગરિકોને થતા ફાયદા

પારદર્શકતા અને વિશ્વાસ: I-PRAGATI સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.

સમય અને શક્તિનો બચાવ: નાગરિકોએ તેમના કેસની પ્રગતિ જાણવા માટે પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા પડતા નથી, જેનાથી તેમના સમય અને શક્તિનો બચાવ થાય છે.

ઓટોમેટિક અપડેટ્સ: આ સિસ્ટમ કેસ સંબંધિત દરેક મહત્ત્વપૂર્ણ તબક્કે (જેમ કે ધરપકડ, ચાર્જશીટ વગેરે) નાગરિકોને SMS દ્વારા આપોઆપ અપડેટ્સ મોકલે છે.

સુરક્ષા અને સંતોષ: નાગરિકોને સતત અપડેટ મળતી રહેવાથી તેઓ સુરક્ષિત અને સંતુષ્ટ અનુભવે છે કે તેમના કેસ પર કામ ચાલી રહ્યું છે.

I-PRAGATI પહેલ ગુજરાત પોલીસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે નાગરિક-કેન્દ્રિત સુશાસન અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now