હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. સોમવાર 25મી ઓગસ્ટના રોજ મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી છે.
મંગળવાર 26મી ઓગસ્ટે પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે 30મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયામાં ઊંચા મોજાં આવવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
તે જ સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 25 થી 28 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરથી વરસાદી વહન આવતાં મુશળધાર વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે ચાર ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ચેતવણી આપી કે 23 થી 26 ઓગસ્ટ દરમિયાન સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા છે.
આ ઉપરાંત 28 ઓગસ્ટ સુધીમાં નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધશે અને નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે.