દુષ્કર્મી આસારામના હંગામી જામીન પર આજે સુનાવણી હાથ ધરાશે. દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર થયા હતા અને તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. 86 વર્ષીય આસારામના હંગામી જામીન મામલે આજે હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાશે.
આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા, જ્યારે 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે જામીન લંબાવવાનો ઇનકાર કરી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય બાદ આસારામે 30 ઑગસ્ટે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
રાજસ્થાન હાઇકોર્ટની ટિપ્પણી
27 ઓગસ્ટે સુનાવણી દરમ્યાન રાજસ્થાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ આસારામની તબિયત એટલી ગંભીર નથી કે તેને જામીન લંબાવી શકાય. જો કે કોર્ટએ તેને વ્હીલ ચેર અને એક મદદગાર રાખવાની છૂટ આપી હતી.
ગુજરાત હાઇકોર્ટના અગાઉના નિર્ણયો
ગુજરાત હાઇકોર્ટે અત્યાર સુધી ચાર વખત આસારામના જામીન લંબાવ્યા છે.
27 જૂન – 7 જુલાઈ સુધી
3 જુલાઈ – એક મહિનો
7 ઓગસ્ટે – ત્રીજી વખત
19 ઓગસ્ટે – ચોથી વખત 3 સપ્ટેમ્બર સુધી
હવે ફરી એકવાર આસારામના હંગામી જામીન અંગે કોર્ટનો શું નિર્ણય આવે છે તે અંગે સૌની નજર ટકેલી છે.