વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અમિત પરમારનો નશો કરીને સામાન્ય નાગરિકો સામે હોબાળો મચાવતો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે તો પોલીસ એ ગુનાગારોને કાયદાનો પાઠ શીખવતી હોય છે પરંતુ અહીં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ પોલીસ જવાન જ નશો કરીને લોકો સાથે અભદ્ર વર્તન કરતો નજરે ચડ્યો છે.
પોલીસ જવાન થયો નશામાં ધૂત
હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નશાની હાલતમાં સોસાયટીમાં હોબાળો મચાવ્યો અને રહેવાસીઓ સાથે ઝગડો કર્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ તેનાથી ત્રસ્ત થઈ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નશામાં ધૂત થઈ સોસાયટીમાં જ હંગામો મચાવ્યો હતો સાથો સાથ સ્થાનિકોને ધમકી પણ આપી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને કાબૂમાં લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યો. પરંતુ પોલીસ સ્ટેશનમાં પણ તેની ઉશ્કેરણીય હરકતો બંધ થઈ નહીં.
પોલીસે કાર્યવાહી કરી!
આ સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચતા તેના પર કાર્યવાહી કરી અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તે પોલીસ જવાન ફરજ પર ન હતો, પરંતુ તે નશામાં હતો અને તેની હરકતોને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.પોલીસે તેની સામે યોગ્ય શિસ્તનિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
કડક પગલાં લેવાની માંગ ઉઠી
કાયદાનો અમલ કરાવનારા જ કાયદો તોડે તો સામાન્ય જનતા શું કરશે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહેવા પણ મુશ્કેલ બનશે. સ્થાનિકોમાં આ બનાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને કડક પગલાંની માંગ ઉઠી છે.