Gujarat Politics News: પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના ભણકારા વાગી રહ્યાં છે. એક તરફ સી.આર.પાટીલની જગ્યાએ ગુજરાત પ્રદેશ ભાજપમાં નવા પ્રમુખ તરીકે કોને મળશે તક તેના પર સૌની નજર છે. શું પ્રદેશ પ્રમુખ તરીકે આનંદીબેન પટેલની લોબીનો માણસ આવશે કે પછી અમિત શાહની લોબીનો કોઈ ચહેરો આવશે તેને લઈને રાજકીય વર્તુળોમાં અલગ-અલગ ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના મંત્રી મંડળમાં મોટા બદલાવની વાતોએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં મંત્રી મંડળમાં ફેરફાર કરવા એ પાર્ટી માટે જરૂરી છે. એવામાં હવે સરકારમાં મંત્રી તરીકે કોને મોકો મળશે અને કોનું પત્તું કપાશે તેના પર પણ સૌ કોઈની નજર છે. કોણ મોદી-શાહની ગૂડ બુકમાં છે અને કયા નેતાઓ હવે હાઈકમાન્ડને ખટકે છે એ મુદ્દો પણ ચર્ચામાં રહેશે.
શું ગુજરાત મુલાકાત બાદ પીએમ મોદીએ ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખ નક્કી કરી લીધાં છે? ક્યારે થશે નવા પ્રમુખના નામની જાહેરાત? સીએમ પાટીદાર છે તો શું ઓબીસીને બનાવવામાં આવશે પ્રદેશ પ્રમુખ? મંત્રી મંડળમાં કોની ખુરશી ખતરામાં છે અને કોને મોકો મળી શકે છે? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. ભાજપ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે શહેરના ગઢ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આવનારા કોર્પોરેશન ચૂંટણીમાં પ્રભાવ ધરાવવા માટે પક્ષને નવા ચહેરા, વિસ્તૃત જાતિ સમીકરણ અને યુવા નેતૃત્વ તરફ દોરાવું પડશે. જે ભાજપ માટે એક મોટો પડકાર નહીં રહેશે.
ગુજરાતમાં રાજકીય ગરમાવો ફરી ઉકળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ફેરફારની ચર્ચાઓ જોર પકડતી થઈ છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ માટે નેતૃત્વ સ્તરે મનોમંથન શરૂ થઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2022માં બીજીવાર પદભાર સંભાળ્યા પછીથી મંત્રીમંડળમાં કોઈ મોટી હિલચાલ થઈ નથી. ત્યારે આગામી ફેબ્રુઆરીમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પક્ષ દ્વારા નવા ચહેરાઓ અને સમીકરણો લાવવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ કયા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરે છે?
કેબિનેટ મંત્રીઓઃ
ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી), અમદાવાદ
કનુભાઈ દેસાઈ (નાણા અને ઉર્જા મંત્રી), વલસાડ
ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી), મહેસાણા
રાઘવજી પટેલ (કૃષિ મંત્રી), જામનગર
બળવંતસિંહ રાજપૂત (ઉદ્યોગ મંત્રી), પાટણ
કુંવરજી બાવળિયા (જળ સંપત્તિ, ગ્રામ વિકાસ), રાજકોટ
મૂળુભાઈ બેરા (પર્યટન મંત્રી), દ્વારકા
ડો.કુબેર ડીંડોર (શિક્ષણ મંત્રી), મહીસાગર
ભાનુબેન બાબરીયા (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), રાજકોટ
રાજ્ય મંત્રીઓ:
હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી), સુરત
જગદીશ વિશ્વકર્મા (સહકાર મંત્રી-સ્વતંત્ર પ્રભાર), અમદાવાદ
પરષોત્તમભાઈ સોલંકી, ભાવનગર (ગ્રામ્ય)
બચુભાઈ ખાબડ, દાહોદ
મુકેશ પટેલ, સુરત
પ્રફુલ પાનશેરીયા (શિક્ષણ રાજ્ય મંત્રી), સુરત
ભીખુસિંહ પરમાર, અરવલ્લી
કુંવરજી હળપતિ, સુરત
જિલ્લાવાર મંત્રીઓની સંખ્યાઃ
સુરત: 4 મંત્રીઓ
અમદાવાદ: 2 મંત્રીઓ
રાજકોટ ગ્રામ્ય: 2 મંત્રીઓ
મહેસાણા, વલસાડ, પાટણ, જામનગર, દાહોદ, દ્વારકા, અરવલ્લી વગેરે: દરેકથી 1 મંત્રી
વડોદરા, ભાવનગર અને રાજકોટ શહેરમાંથી કોઈ મંત્રી નથી, જેના કારણે ત્યાંથી નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે.
કયા જિલ્લામાં છે સૌથી વધુ મંત્રીઓ?
હાલના કેબિનેટમાં સુરતમાં સૌથી વધુ મંત્રીઓ છે. આમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ, પ્રફુલ પાનશેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે. સીઆર પાટીલ કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા અમદાવાદથી મંત્રી છે. રાજકોટ શહેરમાંથી પણ કોઈ મંત્રી નથી. ભાનુબેન બાબરિયા અને કુંવરજી બાવળિયા બંને રાજકોટ ગ્રામીણથી મંત્રી છે, જોકે બાબરિયાના વિધાનસભા મતવિસ્તારમાં પણ રાજકોટ શહેરનો એક ભાગ આવે છે. તેવી જ રીતે, ભાવનગર શહેરમાંથી પણ કોઈ મંત્રી નથી. વડોદરા રાજ્યનું ત્રીજું સૌથી મોટું શહેર છે. અહીંથી કોઈ મંત્રી નથી. દાહોદથી બચુભાઈ ખાબડ મંત્રી છે.
મંત્રીમંડળમાંથી કોણ બહાર જશે અને કોણ નહીં?
હાલના મંત્રીમંડળમાં કુલ 16 મંત્રીઓ છે
8 કેબિનેટ મંત્રીઓ
2 સ્વતંત્ર પ્રભારી
6 રાજ્ય મંત્રીઓ
કોને મળી શકે છે મંત્રીમંડળમાં તક?
હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર: પાટીદાર અને ઓબીસી સમીકરણ માટે મહત્વપૂર્ણ હોઈ શકે
અર્જુન મોઢવાડિયા: કોંગ્રેસમાંથી આવ્યા બાદ મંત્રીપદ માટે મજબૂત દાવેદાર
કૌશિક વેકંરિયા (અમરેલી), હીરા સોલંકી: નવા ચહેરા તરીકે ચર્ચામાં
અમદાવાદના અમિત ઠાકર અથવા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, વડોદરાથી કોઈ ધારાસભ્ય પણ મંત્રીપદ માટે દાવેદાર બની શકે છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોણ લેશે C.R. પાટીલનું સ્થાન?
1) મયંક નાયક (રાજ્યસભા સાંસદ)
2) જગદીશ વિશ્વકર્મા (હાલના મંત્રી)
3) દેવુંસિંહ ચૌહાણ(લોકસભા સાંસદ)
પાર્ટી દ્વારા ઓબીસી કે ક્ષત્રિય નેતા ને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવે તેવી શકયતા છે. જોકે, મંત્રીમંડળમાં કોને સ્થાન મળે છે તેના આધારે પ્રદેશ પ્રમુખની પસંદગી નક્કી થવાની પણ સંભાવના છે.
જો હાલ નિર્ણય નહીં લેવાય તો આખો મામલો પાછો ઠેલાશે. શ્રાદ્ધ અને નવરાત્રિના પર્વોને ધ્યાનમાં લેતા મંત્રીમંડળમાં ફેરફાર માટે વધુ સમય લાગી શકે છે. દિવાળીની આસપાસ કે પછી આ નિર્ણયો જાહેર થવાની શક્યતા છે. ભાજપ હાલ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અને બિહાર ચૂંટણી પર કેન્દ્રિત છે. એટલા માટે ગુજરાતના ફેરફારો ઓક્ટોબર અંત પછી કે નવેમ્બર પહેલાં થઈ શકે છે. ગુજરાત ભાજપ માટે આગામી બે મહિના ખૂબ જ નિર્ણાયક રહેશે. સંગઠન અને સરકાર બંનેમાં પરિવર્તન થવાની શક્યતા છે. નવા રાજકીય સંકેતો અને વિસ્તરણ માટે હવે માત્ર પીએમ મોદી અને અમિત શાહની લીલી ઝંડીની રાહ છે.