"આસ્થા તમારી વ્યવસ્થા અમારી"ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.
આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
35 સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા
અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ 1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
પાર્કિંગ સ્થળ થી મંદિર જવા- આવવા માટે વિનામૂલ્યે બસની વ્યવસ્થા
અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા - આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા - જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.
28 પ્રસાદ કેન્દ્રો થકી 30 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ
અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000 થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
મહા મેળામાં 500 જવાનો Not Force but facilitation તરીકે ફરજ બજાવશે
અંબાજી મહા મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો સુરક્ષા સાથે Not Force but facilitation તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા "શી ટીમ" અને ખાસ મોનીટરીંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરાશે. કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે.
સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા પ્રદર્શનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન
અંબાજી મહા મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે 1500 જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરાશે.
યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ
1 સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંજે 4 કલાક થી લઈને રાત્રિના 10 કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ/ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતિ વંદના, મહિસાસુર મદિની સ્તોત્ર, કનકધારા સ્તોત્રમ, લોકનૃત્ય, માતૃ શક્તિ પર લોક ડાયરા શકિત અંબાજી થીમ આધારિત સંગીતનો કાર્યક્રમ યોજાશે.
અંબાજીમાં થીમ આધારિત લાઈટીંગ અને વિશેષ શણગાર
અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, 51 શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. જે યાત્રાળુઓને અનોખો અનુભવ કરાવશે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઈટીંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.