logo-img
Good News For Farmers Of Gujarat

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર : મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આ તારીખ સુધી કરાવી શકશે નોંધણી

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Aug 28, 2025, 06:38 AM IST

ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી રાઘવજી પટેલ

ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઇ શકે. એટલા માટે જ, હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે.

રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે આગામી તા. 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025 સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરુ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

તેમણે વિશેષતઃ કહ્યું હતું કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ.16,223 કરોડથી વધુના મૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણશીઓનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂ.7,263 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,452 પ્રતિ મણ), મગ માટે રૂ.8,768 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,753 પ્રતિ મણ), અડદ માટે રૂ.7,800 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,560 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,065 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now