logo-img
Good News For Farmers Of Gujarat

ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર : રાજ્યમાં 92 ટકા વરસાદ ખાબક્યો,82થી વધુ ડેમ 100 ટકા ભરાયા

ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 07:45 AM IST

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 04 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા તા. 01 સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ કુલ 96.29 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં 08 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 24 જિલ્લાના 158 તાલુકામાં સરેરાશ 12 મી.મીથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતના માછીમારોને તા. 04 થી 07 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા પણ IMD દ્વારા જણાવાયું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now