આણંદના આંકલાવમાં બાળકીની બલિ ચઢાવવાનો મામલો સામે આવ્યો છે. નવાખલ ગામની 6 વર્ષની બાળકીનું અપહરણ કરી બલિ ચઢાવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિને લઈ અજય પઢિયાર નામના વ્યક્તિએ બાળકીનું અપહરણ વિધિ કરી નદીમાં ફેંકી દીધીની કબૂલાત કરતા પોલીસે આરોપીની અટકાયત કરી
છે તેમજ 4 ભુવાઓને પણ દબોચ્યા છે.
સ્થાનિકોમાં રોષ
નવાખલની બાળકીને નદીમાં ફેંકવાનો મામલો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંકલાવ પોલીસ મથકે પરિવારજનો તેમજ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. હાય હાયના પોલીસના સુત્રોચ્ચાર કર્યા હતા. ત્રણ દિવસથી પોલીસ કોઇ યોગ્ય જવાબ ન આપતી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે મોટી સંખ્યામાં એકત્રિત ગ્રામજનોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો.
ક્ષત્રિય સમાજનો અનોખો વિરોધ
આ સમગ્ર મામલે ક્ષત્રિય સેના સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આંકલાવ પોલીસ મથક બહાર 'દાણા જોઈ' અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાળકીના પરિવારજનો અને ક્ષત્રિય સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આરોપીને ફાંસીને માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા વહેલી તકે બાળકીની શોધખોળ કરવામાં આવે તેવી માંગ કરી છે.
પરિવારજનો આકુળવ્યાકુળ
આંકલાવમાં નવાખલની બાળકી મામલે પરિવારજનો આકુળવ્યાકુળ થયું છે. છેલ્લા 40 કલાકથી પોલીસ મથકે પરિવારજનો બેઠા છે અને પોલીસે આરોપીને પકડી લીધો હોવા છંતા હજુ સુધી નક્કર માહિતી આપવામા આવી રહી નથી તેવા આક્ષેપ કરાયા છે.
''બાળકીની કોઇ ભાળ મળી નથી''
બાળકીના કાકા ગોપાલભાઈએ કહ્યું કે, ''પરિવારજનોને ઘરે જતા રહેવાનું પોલીસ કહે છે, મારી દીકરી ઘરના પગથિયા પર બેઠી હતી ત્યાંથી ગુમ થઈ છે અને ગામનો યુવક બાઈક પર લઈને જતો સીસીટીવીમાં જોવા મળે છે. 40 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતા બાળકીની કોઇ ભાળ મળી નથી''