logo-img
Ganesh Visarjan The Worlds First Industrial Filter Plant

વિશ્વમાં પહેલું ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર પ્લાન્ટ ધરાવતું ગણેશ વિસર્જન : આ કુંડમાં અત્યારસુધી 1555થી વધુ શ્રીજીનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયું વિસર્જન

વિશ્વમાં પહેલું ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર પ્લાન્ટ ધરાવતું ગણેશ વિસર્જન
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 12:01 PM IST

વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન માટે વિશેષ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ દિવસ દરમિયાન અહીં 1555 થી વધુ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું છે.

વિસર્જન કુંડની સ્વચ્છતા અને વ્યવસ્થા ભક્તોને ખુબ ગમી રહી છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે વિશ્વમાં પ્રથમ વખત વિસર્જન કુંડમાં ઇન્ડસ્ટ્રીઅલ ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે સતત પાણીનું શુદ્ધિકરણ કરે છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી આવતા ભક્તો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.સમિતિના સભ્ય તરંગ શાહે જણાવ્યું કે, 3 ફૂટ સુધીની માટીની શ્રીજીની મૂર્તિ વિસર્જન માટે તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે. આ સાથે જ પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા માટે ફુલહાર અને પૂજાપા એકત્રિત કરીને ખાતર બનાવવાનું મશીન પણ મુકાયું છે. છેલ્લા આઠ દિવસમાં આશરે 12.8 ટન ફુલહાર એકત્રિત કરવામાં આવ્યો છે.

આયોજનમાં વધુ એક આકર્ષણ "સિંદૂર ઝાડ" છે. વિસર્જન કુંડની બાજુમાં સ્થાપિત આ ઝાડને શક્તિ સ્થળ તરીકે ઓળખ આપવામાં આવી છે. અહીં આવતા બાળકો આર્મીના જવાનો માટે પોતાના શુભેચ્છા સંદેશા લખીને ઝાડ પર લટકાવે છે. આ બધા સંદેશા આગળ ચાલીને વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવશે.

સમગ્ર પંડાલમાં "મારું વડોદરા, સ્વચ્છ વડોદરા"ના સંકલ્પ સાથે સફાઈ અને શિસ્તને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. ફટાકડા અને ડી.જે. પર પ્રતિબંધ મૂકી શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરાયું છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ભક્તોએ પંડાલની મુલાકાત લીધી છે અને સૌ કોઈ સ્વચ્છતા તથા અનોખી વ્યવસ્થા માટે સમિતિને બિરદાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now