વડોદરા જિલ્લાના હંમેશા વિવાદોમાં રહેનારા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી રાજકારણમાં સક્રિય બન્યા છે. સોમવારે તેમણે વાઘોડિયામાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને રાજકીય મેદાનમાં વાપસી કરી હતી. આ પ્રસંગે તેમણે અધિકારી રાજ સામે મોરચો ખોલતા ચેતવણી આપી હતી કે, “હું મેદાનમાં આવી રહ્યો છું, ભગવાન સિવાય કોઈના બાપથી ડરતો નથી.”
મધુ શ્રીવાસ્તવે દાવો કર્યો કે વાઘોડિયામાં ભાજપનો વિજય પણ તેમના કારણે થયો હતો અને ભાજપને હરાવનાર પણ તેઓ જ હતા. તેમણે જણાવ્યું કે પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ ફરી રાજકારણમાં ઉતરી રહ્યા છે અને વાઘોડિયા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં ભાજપ–કોંગ્રેસને મૂકીને “ત્રીજો લોકશાહી મોરચો” ઊભો કરવામાં આવશે.
કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા તેમણે રામાપીર જયંતિ નિમિત્તે મંદિરે નેજા ચઢાવ્યા અને બાદમાં સત્યનારાયણની કથા સાથે કાર્યાલય શરૂ કર્યું. આ પ્રસંગે સ્થાનિક વેપારીઓ, કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ કહ્યું કે, “વાઘોડિયામાં જે ગંદકી અને વિકાસના પ્રશ્નો છે, તેને દૂર કરવા માટે જ મેં આ ઓફિસ ખોલી છે. હું જીવતો રહીશ ત્યાં સુધી વાઘોડિયાની પ્રજાનું વચન નિભાવતો રહીશ.”