ભરૂચમાં દૂધિયું રાજકારણ ગરમાયું છે. દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપનો ગજગ્રાહ સામે આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ગંભીર આક્ષેપ કર્યા છે. મનસુખ વસાવાએ દુધધારા ડેરીના અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર અને ભાજપનો મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી છે.
''ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર...''
તેમણે પત્રમાં લખ્યું છે કે, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપી માંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધેલા છે તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામની પણ ડેરી નથી બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમ્મેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે ? તે તો સમય જ બતાવશે''.
''... ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે''
વધુમાં કહ્યું કે, ''આજ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેઓને તમે અને જિલ્લા રજિસ્ટ્રાર કોઈ ને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો. આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે. તો આ જ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડીયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું જે પાર્ટીની પરંપરા વિરુધ્ધ છે. ખરેખર તો જિલ્લા સંકલનમાં ઝઘડિયા એપીએમસીની ચર્ચા થવી જોઈતી. પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારૂતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તો. મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો. મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે''.