Dudhdhara Dairy Election: દુધધારા ડેરીનું રાજકારણ મોટા પાયે ગરમાવો આવ્યો છે. જ્યાં ભાજપના લોકો સામે સામે ચૂંટણી જંગમાં આવ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રના ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા. જે બાદ ભાજપે જાહેર કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું જ્યારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. જે બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપે મેન્ડેટ આપેલા પ્રકાશ દેસાઈ સામે રોષ ઠાલવ્યો અને જિલ્લા પ્રમુખને સલાહ આપી સાથો સાથ અરીસો પણ બતાવ્યો હતો
અરુણસિંહ રણાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી
આ મેન્ડેટમાં પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો. ત્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી ત્યારે બન્ને પેનલના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. આ તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ગરમીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
''નૈતિકતાના આધારે ચૂંટણી લડશે''
અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે, ''તેમની પેનલના તમામ 15 ઉમેદવારો પૂર્ણ ભાજપને સમર્પિત અને ભાજપના સૈનિક છે, તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે''.
''...તો તાલુકા પંચાયતના સભ્ય પદે થી રાજીનામું આપી દેશે''
સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ મુદ્દે પ્રકાશ દેસાઈએ કહ્યું કે, તાજેતરમાં સાસંદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં તેઓને જે બે હોદ્દા માટેની ટકોર કરી છે તે વ્યાજબી છે અને તેઓએ તેને સહર્ષ સ્વીકારી છે અને ડેરીમાં જીતશે તો તાલુકા પંચાયતના સભ્ય પદે થી રાજીનામું આપી દેશે''.
મહેશ વસાવાએ ઘનશ્યામ પટેલને સમર્થન આપ્યું
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી ચૂક્યા છે. ત્યારે દૂધધારા ડેરીનો દૂધિયો રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.