સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેકસ્ટાઇલ નામની મિલમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. મિલમાં અચાનક એક મોટો ડ્રમ ફાટી જતા મિલમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ઘટના સમયે અનેક કામદારો મિલની અંદર કામ કરી રહ્યા હતા. ડ્રમ ફાટતાની સાથે જ તાત્કાલિક ધૂમાડાના ગોટેગોટા અને અવાજ આવ્યો હતો. પાપ્ત માહિતી મુજબ 2 લોકોના મોત થયા છે તેમજ 20થી વધુ લોકો દાઝ્યા છે. જેના કારણે કામદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
સંતોષ ટેકસટાઇલ નામની મિલમાં ડ્રમ ફાટ્યું
દુર્ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા સ્થળ પર તત્કાલ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર અનેક કામદારોને ગંભીર ઈજા પહોચી હોવાની આશંકા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરાઈ
મિલની અંદરના પતરાને તોડી કામદારોને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ મળતી માહિતી મુજબ, તમામ કામદારોને સલામત બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ કર્યું છે.