ઠાસરા તાલુકાના હિંમતનગર લાટ ગામમાં છેલ્લા પાંચ દિવસથી શેઢી નદીના પુરના પાણી ફરી વળતા 400થી વધુ વીઘા જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે. આ કારણે ગામના ખેડૂતોના તમાકુ, ડાંગર અને દિવેલાના પાકો ભારે નુકસાન પામ્યા છે.
મળી રહેલી માહિતી મુજબ, લગભગ ૧૫૦ વીઘામાં રોપાયેલ તમાકુના છોડ પાણીમાં તણાઈ જતાં સોંથ વળી ગયા છે, જ્યારે ૧૦૦ વીઘામાં ડાંગરનો પાક બરબાદ થયો છે. આ ઉપરાંત, ૧૫૦ વીઘા જમીનમાં દિવેલાનો પાક પણ ધોવાઈ ગયો છે. પુરના ધસમસતા પાણીના કારણે ખેતરોમાં મોટા વહેરા પડી જતાં જમીનનું પણ ધોવાણ થયું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓએ પાક માટે નાખેલા મોંઘા ધરૂ અને ખાતર પણ પુરમાં વહાઈ જતાં હાલ તેઓ કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. ખેડૂતો તંત્ર અને ખેતી વિભાગને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.