મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષની સંકલ્પના સાકાર કરીને શહેરો-નગરોમાં સ્થાનિક સત્તા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવતા નાગરિકલક્ષી વિકાસ કામોને વધુ વેગવાન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની નગરપાલિકાઓને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં 50 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષ ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો.
'2025' વર્ષ શહેરી વિકાસ વર્ષ
શહેરી વિકાસની બે દાયકાની આ સફળતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણથી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને સાકાર કરવા શહેરોમાં વિકાસ કામોમાં વધુ વેગ લાવીને શહેરી જન સુવિધાના કામો ઝડપથી હાથ ધરવા માટે નાણાંકીય સત્તા મર્યાદામાં કરવામાં આવેલો આ વધારો પરિણામકારી બનશે.
વિકાસ કામો માટે મંજૂરી આપવા માટે નાણાંકીય મર્યાદામાં વધારો કરાયો
મુખ્યમંત્રીએ આ હેતુસર ‘અ’ વર્ગની નગરપાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની હાલની નાણાંકીય મર્યાદા રૂ.50 લાખ છે તેમાં રૂ.20 લાખ વધારીને હવે રૂ.70 લાખ કરી છે. એટલું જ નહિ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓ માટે 40થી વધારીને રૂ.50 લાખ, ‘ક’ વર્ગ માટે 30થી વધારીને રૂ. 40 લાખ, ‘ડ’ વર્ગ માટે 20થી વધારીને રૂ. 30 લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપવાની સત્તા સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વહિવટી સરળીકરણની દિશામાં એક ઉદાહરણરૂપ પગલું લઈને એવું સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે કે, નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી મળ્યેથી પ્રાદેશિક મ્યુનીસીપલ કમિશ્નર આર.સી.એમ. ઓફિસ દ્વારા સંબંધિત નગરપાલિકાને દરખાસ્ત મળ્યાના પાંચ દિવસમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.
“અર્નીંગ વેલ - લીવીંગ વેલ”
એટલું જ નહિ, આવી ગ્રાન્ટની બે હપ્તામાં 100 ટકા ફાળવણી કરાશે. આના પરિણામે નગરપાલિકા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં વિલંબનું નિવારણ અને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ થશે. મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિસ્તારોના ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ-અગ્રણીઓએ આ માટે કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે નાણાંકીય સત્તા મર્યાદામાં વધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથોસાથ “અર્નીંગ વેલ - લીવીંગ વેલ”નો અભિગમ પણ ચરિતાર્થ થશે અને શહેરી વિસ્તારોમાં જન સુખાકારી કામો સહિતના વિવિધ વિકાસ કામો ગુણવત્તા સાથે સમયબદ્ધ પૂર્ણ થશે.