Surat News: સુરત શહેરના અલથાણ વિસ્તારમાં બુધવારે સાંજે એક હૃદયવિદ્રાવક ઘટના બની જેમાં લૂમ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વિલેષકુમાર પટેલની પત્ની અને તેમના બે વર્ષીય પુત્રનું 13મા માળેથી પડવાથી દુખદ અવસાન થયું. આ ઘટનાને લઈ આપઘાતની આશંકા સેવાઈ રહી છે. સુરત શહેરના અલથાણમાં બનેલી આ ઘટનાને કારણે હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગતવાર જાણકારીઃ
અલથાણમાં આવેલ માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગના સી-વિંગના 13મા માળેથી 30 વર્ષીય પૂજા પટેલ અને તેમનો પુત્ર ક્રિશિવ નીચે પટકાયા હતા. પુત્રને સાથે લઈને પૂજા મકાનમાં બ્લાઉઝનું પીસ ટીચ કરાવા માટે ગઈ હતી. જો કે તે ઘરના માલિક ઘરમાં હાજર ન હતા અને દરવાજો બંધ હતો. એટલામાં, પૂજાએ અજાણ્યા સંજોગોમાં પોતાના પુત્ર સાથે ઉપરથી છલાંગ મારી હોવાની શક્યતા છે.
CCTVમાં કેદ દ્રશ્યોઃ
પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, માતા-પુત્ર લિફ્ટથી સીધા 13માં માળે જતા જોવા મળે છે. આ ઘટના અગાઉ તેમના કોઇ અસામાન્ય વર્તનની જાણકારી મળી નથી. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સીસીટીવી ફૂટેજ તેમજ તાત્કાલિક પડોશીઓના નિવેદનો મેળવી રહી છે.
ઉદાસીનતામાં ફેરવાયો પરિવારઃ
મૂળ મહેસાણાના વતની અને હાલમાં સુરત રહેતા વિલેષકુમાર પટેલ લૂમ્સ ઉદ્યોગના સફળ ઉદ્યોગપતિ છે. તેમના માટે આ ઘટના જીવનનો સૌથી મોટો આઘાત સાબિત થઈ છે. પરિવારના અન્ય સભ્યો અને મિત્રવર્તુળ પણ ઘાટનાથી સ્તબ્ધ છે. એક સુખી પરિવારને અકસ્માતે કે આપઘાતથી થયેલી આ ખોટે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે.
હાલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને વિસ્તૃત તપાસ શરૂ કરી છે. મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, હવે પિયર અને સાસરીયા પક્ષના લોકોના નિવેદનો લેવામાં આવશે જેથી ઘટનાના પાછળના કારણો વધુ સ્પષ્ટ થઈ શકે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શ્રીજીની મૂર્તિ પાસે લોકો પૂજા અને નાનકડા ક્રિશિવ માટે શાંતિની પ્રાર્થના કરી રહ્યા છે. આખા વિસ્તાર અને જ્ઞાતિ સમાજમાં દુઃખનો માહોલ વ્યાપી ગયો છે.