રાજ્યમાં બોગસની ભરમાર યથાવત જોવા મળી રહી છે. દરેક વસ્તુથી લઈ અધિકારીઓ તેમજ સરકારી કચેરીઓ બાદ હવ સુરત શહેરમાંથી બોગસ વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે સુરતના રાંદેરમાં ઝઘડિયા ચોકડી પાસે બિલ્ડીંગમાં ફ્લેટની અંદરથી ધમધમતું બોગસ વિઝા કૌભાંડ ઝડપ્યું છે. જેમાં એક આરોપીને પણ દબોચી લેવાયો છે, સાથો સાથ અન્ય 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જે સમગ્ર કેસમાં કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોલીસે આરોપીના ઘરમાંથી લેપટોપ, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરો સહિતની વસ્તુઓ મળી કુલ રૂપિયા 1. 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, ઝઘડિયા ચોકડી પાસે સમોર રેસીડેન્સી ફ્લેટ નંબર 202માં રહેતો પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશ શાહ પોતાના ઘરે જ બોગસ વિઝા સ્ટીકર બનાવી બોગસ વિઝાના આધારે તેના એજન્ટો મારફતે લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતો હતો. જેની બાતમી મળતા એસઓજી પીઆઈ એ. પી. ચૌધરી અને તેની ટીમે દરોડા પાડ્યા હતા.
પોલીસ તપાસમાં શુ ખુલાસો થયો?
પોલીસ તપાસ કરતા આરોપીના ઘરમાંથી જ લેપટોપ, વિઝા સ્ટીકર ફાઈલો મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કુલ 5 અલગ અલગ દેશોના અલગ અલગ વ્યક્તિઓના સ્ટીકર બનાવવાનું સામે આવ્યું હતું. સાથો સાથ કુલ 8 વ્યક્તિઓના યુકેના વિઝા બનાવ્યા હોવાનું નજરે પડ્યું હતું. આ ઉપરાંત તેમની સાથે આ રેકેટમાં આણંદમાં રહેતો કેતન દીપક સરવૈયા, બેંગકોક થાઈલેન્ડમાં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ પણ સામેલ હોવાની કબુલાત કરી હતી.
પૂછપરછમાં ખુલાસો થયો કે, વોન્ટેડ કેતન દીપકભાઈ સરવૈયા (રહે.આણંદ) બેંગકોક થાઈલેન્ડમાં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા અને વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મસ મોટી રકમ લઈ તમામ ભેગા મળી બોગસ સ્ટીકર બનાવી વિદેશ જવા માંગતા લોકો સાથે છેતરપિંડી કરતા.
પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો
વિઝા સ્ટીકર
ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો
પેપર કટર
યુવી લેઝર ટોર્ચ
એમ્બોઝ મશીન
કોર્નર કટર મશીન
ઇંકની 9 નંગ બોટલો
યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા 46 નંગ પેપર
કેનેડા દેશના હોલમાર્ક વાળા મોટા 73 નંગ પેપર
યુરોપ દેશના હોલમાર્ક વાળા નાના 107 નંગ પેપર
મેસોડીનિયા દેશના હોલમાર્ક વાળા મોટા 172 નંગ પેપર
સર્બિયા દેશના હોલમાર્ક વાળા મોટા 243 નંગ પેપર
યુકે દેશના હોલમાર્ક વાળા મોટા 42 નંગ પેપર
5 મોબાઇલ
2 કલર પ્રિન્ટર
લેપટોપ